Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મોદીની કઇ વાત લોકોને ગમી ગઇ?

છપ્પરફાડ પ્રેમ વરસાવવા પાછળના કયા કારણો ?

નવી દિલ્હી તા. ૨૪ : ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી શાનદાર જીત થઇ છે. જીતનું એક ફેકટર તો નરેન્દ્ર મોદી જ છે જ, પરંતુ સમગ્ર રીતે મૂલ્યાંકન કરી તો જીતના કારણો ઘણાં છે.

નેશન ફર્સ્ટ

સૌથી મોટો મુદ્દો છે નેશન ફર્સ્ટ નો. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પહેલા જ તેની ભાષા અને શૈલીમાં રાષ્ટ્રીયતા છલકતી હતી. પ્રધાનમંત્રી બન્યા પછી ભલે તે પોતાના અમુક પ્રોમિસ પૂરા કરવામાં સફળ ન થયા હોય, પરંતુ દેશ પ્રત્યેના સમર્પણમાં કયારેય ઓછપ નથી આવવા દીધી. ઉલટું તેમણે દેશને રાષ્ટ્રીયતાના મુદ્દે એક કર્યો અને તેના પરિણામે પોલિટીકલ પંડિતોની આ તમામ આગાહી ખોટી પડી, જેમાં તેઓ કહેતા હતા કે આ વખતે મોદી ૨૦૧૪ જેવો જાદુ નહિ કરી શકે. જોકે પંડિતો મોદીની બાબતમાં પહેલા પણ ખોટા પડ્યા હતા અને આજે પણ.

બાલાકોટ એર સ્ટ્રાઈક

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા અને દેશ આખો મોદી તરફ જોવા લાગ્યો કે હવે મોદી પાકિસ્તાનને કેવા પાઠ ભણાવશે. વડાપ્રધાન મોદીએ લોકોને ચૂંટણી સભાઓમાં જ ત્યારે કહેવાનું શરૂ કરી દીધું હતું કે પાકિસ્તાન તેની આ કરતૂતની જરૂર સજા ભોગવશે અને ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને મોદીએ બદલો લીધો. દેશ આખો મોદીની આ શૂરવીરતાભરી કામગીરીથી આફરીન પોકારી રહ્યો છે.

અભિનંદનને હેમખેમ ભારત લાવવો

પાકિસ્તાનમાં ઘૂસીને થયેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન પણ છંછેડાયું હતું અને ભારતને પણ ખબર હતી કે પાકિસ્તાન અડપલું કરશે. આ બધી ઘટનામાં પાકિસ્તાનના યુદ્ઘ વિમાન ભારતીય સીમમાં ઘૂસ્યા અને તેને ખદેડવા વિંગ કમાન્ડર અભિનંદન અકસ્માતે પાકિસ્તાનની સીમામાં ઘૂસી ગયા હતા. બધાને લાગતું હતું કે અભિનંદન હવે હેમખેમ ભારત નહિ આવે. જોકે મોદીની કુટનીતિથી ગણતરીની દિવસોમાં જ અભિનંદન ભારતને સન્માપૂર્વક પાછો આપવો પડ્યો. દેશ આખો આ મામલે વડાપ્રધાન મોદીને જ ક્રેડિટ આપે છે અને તેનો ફાયદો આ ચૂંટણીમાં થયો.

ઉરી સર્જિકલ સ્ટ્રાઈક

૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ પાકિસ્તાનના આતંકીઓએ જમ્મુ કાશ્મીરના ઉરી સેન્ટર પર હુમલો કર્યો અને સૂતેલા સૈનિકો ઉપર ગોળીઓ વરસાવી. જેમાં ૧૯ જવાનો શહીદ થયા હતા. જોકે તેના બદલામાં ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. આ કારણે પીએમ ૧૩૦ કરોડ ભારતીયોમાં હીરો બની ગયા. વિપક્ષોએ સર્જિકલ સ્ટ્રાઈકના સબૂત માગ્યા અને ફસાયા. દેશ આખો કોંગ્રેસ અને વિપક્ષને સબક શીખવવા માંગતો હતો અને તે સબકનું પરિણામ ભાજપને ૩૦૩ બેઠક અને વિપક્ષના સૂપડા સાફ કર્યાં. ઉરી સર્જીકલ સ્ટ્રાઈક ઉપર બનેલી ફિલ્મના કારણે પણ દેશમાં મોદી હીરો બની ગયા.

એમીસેટ મિસાઈલ

૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કરીને કહ્યું હતું કે, હવે સ્પેસમાં પણ ભારત સુપર પાવર બનીને વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. મતલબ કે વિકસિત દેશોની સરખામણીમાં ભારત આગળ આવી ગયું. લોકોને વિશ્વાસ થયો કે મોદી દેશ માટે જે કરી રહ્યા છે તેવું અગાઉ નહોતું થયું. દુનિયા ભરમાં આ સિદ્ઘિથી ભારત ફરી ચર્ચામાં આવ્યું અને મોદી ફરી છવાઈ ગયા.

વન રેન્ક વન પેન્શન

કોઈ પણ સરકાર માટે વન રેન્ક વન પેન્શન માથાનો દુખાવો હતો. ભારતીય સેનામાં અગાઉ નિવૃત્ત થયેલા સામાન્ય સૈનિકથી લઈને ઓફિસર સુધીના પેન્શનમાં વિસંગતતા હતી અને મોદીએ તે સમસ્યા દૂર કરી. આ કારણે ભારતીય સેનામાં મોદી હીરો બન્યા અને દેશમાં પણ એક એવી છાપ ઉભી થઇ કે બીજી પાર્ટી કરતા નરેન્દ્ર મોદી અને ભાજપ ભારતીય સેના પ્રત્યે વધુ પ્રેમ ધરાવે છે.

(4:07 pm IST)
  • એનડીએમાં વાયઆરએસ કોંગ્રેસ-બીજેડી-ટીઆરએસ જોડાય તેવી શકયતાઃ સંખ્યાબળ ૪૦૦ની ઉપર થાય તેવી પણ શકયતા access_time 3:46 pm IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રા ગાંધીએ કહ્યું હતું કે, અમે જનતાના ફેસલાનો સ્વીકાર કરીએ છીએ અને વડાપ્રધાન મોદી અને ભાજપના કાર્યકર્તાઓને જીતની શુભેચ્છા આપીએ છીએ. access_time 10:17 pm IST

  • દેશભરના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને દિલ્હીનું તેડું સંભવત આજે જશે દિલ્હી: પક્ષ તરફથી તમામને દિલ્હી જવાનું ફરમાન કરવામાં આવ્યું access_time 2:16 pm IST