Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

નરેન્દ્ર મોદીએ સંઘમાં જોડાયા બાદ એક પછી એક સિદ્ધિ મેળવી

સતત બીજી વખત વડાપ્રધાન તરીકે સત્તારૂઢ : નરેન્દ્ર મોદીનો ઘાંચી-તેલી પરિવારમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે જન્મ થયો :૧૯૭૧માં સંઘમાં જોડાયા

નવીદિલ્હી, તા.૨૩ : લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીને જોરદાર જીત અપાવવામાં સફળ રહ્યા છે. સતત બીજી વખત બહુમતિ સાથે સરકાર બનાવનાર મોદી એક નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. ૨૦૧૪માં પ્રથમ વખત મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. પાંચ વર્ષ સુધી સફળરીતે કામગીરી અદા કર્યા બાદ તેમના નામ અને કામ ઉપર ફરી એકવાર દેશના લોકોએ તેમને દેશની સત્તા સોંપી છે. આજે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ૧૭મી લોકસભામાં પણ મોદી વડાપ્રધાન તરીકે સત્તારુઢ થવા જઇ રહ્યા છે. મોદીને આ વખતે પણ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોદીએ દિન રાત એક કરીને ભાજપની લોકપ્રિયતાને ચરમસીમા ઉપર લઇ જવામાં સફળતા મેળવી છે. આજ કારણસર આજે ભાજપને લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત સ્પષ્ટ બહુમતિ મળી ગઈ છે. મોદીએ ભાજપને દેશમાં ફરી સત્તામાં લાવતા પહેલા ગુજરાતમાં ત્રણ વખત સતત જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. મોદી ભાજપ માટે મૂખ્ય વ્યૂહરચનાકાર તરીકે રહ્યા છે. જુદી જુદી જવાબદારી તેઓ ભાજપમાં સંભાળી ચુક્યા છે. ૧૯૯૫, ૧૯૯૮માં ચૂંટણીમાં પક્ષને જીત અપાવવામાં તેમની ભૂમિકા રહી હતી. મુખ્યમંત્રી તરીકે પણ મોદી ગુજરાતમાં હેટ્રિક નોંધાવી ચુક્યા છે. જુલાઈ ૨૦૦૭માં ગુજરાતના ઇતિહાસમાં તેઓ સૌથી વધારે સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી બની ગયા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા પહેલા મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સભ્ય તરીકે રહ્યા હતા. મિડિયા, સ્કોલર્સ અને અન્યો મોદીને એક હિન્દુ નેતા તરીકે ગણે છે. મોદીએ પોતાની શક્તિશાળી છાપ ઉભી કરી છે જેના પરિણામ સ્વરુપે યુવા પેઢી પણ તેમની તરફ આકર્ષિત થઇ છે. તેમના વહીવટીતંત્રની ૨૦૦૨ની ગુજરાત હિંસા દરમિયાન ટિકા પણ થઇ હતી. આર્થિક નીતિઓના મામલે તેમની હંમેશા પ્રશંસા રહી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના તેઓ છ બાળકો પૈકીના ત્રીજા બાળક છે. તેઓએ  વડનગર રેલવે સ્ટેશન ખાતે તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. તે વખતે તેઓ બાળક હતા. નાનપણમાં જ તેઓ બસ સ્ટેન્ડ નજીક તેમના ભાઈની સાથે ચાના સ્ટોલ પણ ચલાવી ચુક્યા છે. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા. તેમને ફિલ્મોમાં ખુબ રસ હતો. મોદીના માતાપિતાએ તેમના બાળપણમાં લગ્ન નક્કી કરી દીધા હતા. ઘાંચી જાતિની પરંપરા મુજબ તેમના લગ્ન થયા હતા. તેમના જશોદાબહેન સાથે લગ્ન થયા હતા. મોદી ૧૮ વર્ષના થયા ત્યારે તેમના લગ્ન થઇ ગયા હતા. મોદી ૧૯૭૧માં ભારત પાક યુદ્ધ બાદ આરએસએસમાં જોડાઈ ગયા હતા.

મોદી પ્રોફાઇલ..........

નામ                    :   નરેન્દ્ર દામોદરદાસ મોદી

જન્મતારીખ             :   ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦

જન્મસ્થળ              :   વડનગર, ગુજરાત

રાજકીય પાર્ટી          :   ભાજપ

પત્નિ                   :   જશોદાબહેન

ધર્મ                    :   હિન્દુ

સંઘમાં જોડાયા          :   ૧૯૭૧

ભાજપમાં સામેલ થયા  :   ૧૯૮૫

ભાજપના સેક્રેટરી ચૂંટાયા   :   ૧૯૮૮ (ગુજરાત એકમ)

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા   :       ૭મી ઓક્ટોબર ૨૦૦૧

મોદીના પૂર્વગામી મુખ્યમંત્રી   :       કેશુભાઈ પટેલ

ગુજરાતમાં સિદ્ધિ        :   ૧૫ વર્ષ મુખ્યમંત્રી રહ્યા

પ્રથમ વખત વડાપ્રધાન બન્યા :       મે ૨૦૧૪

બીજી વખત વડાપ્રધાન બન્યા :       મે ૨૦૧૯

મોદીના ગામ વડનગરમાં ભવ્ય ઉજવણી શરૂ કરાઈ

આતશબાજી અને મિઠાઈઓનો દોર

નવીદિલ્હી, તા. ૨૩ : સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ બહુમતિ મેળવી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન ગામ વડનગરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. પછાત ઘાંચી-તેલી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદથી વડનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો તેમના ગામના એક વ્યક્તિને વડાપ્રધાન તરીકે જોઇને ખુબ ખુશ છે. નવી આશા  પણ જાગી છે. એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા બાદથી જ શાનદાર ઉજવણી ચાલી રહી હતી. આજે પણ ઉજવણીનો દોર જારી રહ્યો હતો. આ ઉજવણીનો દોર હજુ પણ ઘણા દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.

 

(12:00 am IST)