Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ચૂંટણી સમયે કોંગ્રેસની સરખામણીમાં ભાજપનો બમણો ખર્ચ

કોંગ્રેસ દ્વારા મુસાફરી ખર્ચ ઉપરાંત પાર્ટી કાર્યાલયોમાં મહેમાનો માટે ચા પાણીમાં પણ કપાત મૂકાઇ

નવી દિલ્હી તા. ૨૪ : રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસમાં લક્ષ્મીનો પ્રવાહ અટકી ગયો છે. આ આર્થિક કટોકટી એટલી હદે વધી ગઇ છે કે પક્ષે તેના ઉમેદવારો માટે હવે ક્રાઉડ ફંડીગ કરવું પડે છે. ૨૦૧૭ના વર્ષમાં કોંગ્રેસને ભાજપની સરખામણીમાં ચોથા ભાગનું ફંડ મળ્યું હતું. પુરતા પૈસાના અભાવે કોંગ્રેસના નેતાઓ હવાઇ મુસાફરી ચૂંટણી વાળા રાજયોમાં સમયસર પહોંચી શકતા નથી.

નાણાની કમીના કારણે ફલાઈટની ટિકિટ માટે એક અંતહીન પ્રતિક્ષાનો અર્થ એ હતો કે એક વરિષ્ઠ નેતા આ વર્ષની શરૂઆતમાં ચૂંટણીની નિગરાણી માટે સમય પર રાજય સુધી પહોંચી શકયા નહીં. આ જ કારણે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણીઓમાં પાર્ટીનું અભિયાન ભાજપની સરખામણીમાં ફીક્કુ રહ્યું. એક અધિકારીના જણાવ્યાં મુજબ આ રાજયોમાં પાર્ટીની હારનું એક મોટુ કારણ આ પણ રહ્યું. મુસાફરી ખર્ચ ઉપરાંત પાર્ટી કાર્યાલયોમાં મહેમાનો માટે ચા પાણીમાં પણ કપાત મૂકાઈ.

ADRના એક રિપોર્ટ મુજબ કોંગ્રેસની સરખામણીમાં ભાજપે બમણો ખર્ચ કર્યો છે. જયારે તે કોર્પોરેટમાંથી પણ ફંડ મેળવવામાં ખુબ આગળ છે. ચાર વર્ષના સમયગાળામાં માર્ચ ૨૦૧૬ સુધી ભાજપને કુલ ૨૯૮૭ ઉદ્યોગપતિઓ પાસેથી ૭૦૫ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું. જયારે કોંગ્રેસને ૧૬૭ કારોબારીઓ પાસેથી ફકત ૧૯૮ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું. એડીઆરના જણાવ્યાં મુજબ ૨૦૧૪દ્ગક સામાન્ય ચૂંટમી દરમિયાન ભાજપે ૫૮૮ કરોડનું ફંડ ભેગુ કર્યું હતું. જયારે કોંગ્રેસને ૩૫૦ કરોડનું ફંડ મળ્યું હતું.

કોંગ્રેસના એક વરિષ્ઠ સભ્યના જણાવ્યાં મુજબ ફંડની કમીની અસર ચૂંટણી પ્રચાર અને સંગઠનની ગતિશીલતા ઉપર જોવા મળે છે. જો કે પાર્ટી આ સમસ્યાને પહોંચી વળવા માટે કામ કરી રહી છે અને ખર્ચ ઉપર પણ આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સંસ્થાપક અને ટ્રસ્ટી જગદીપ છોકારના જણાવ્યાં મુજબ ચૂંટણી ફંડ વગર કોંગ્રેસને ૨૦૧૯માં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે એક પાર્ટી કે જેની પાસે ફંડ નથી તેણે ભારતીય ચૂંટણીઓમાં નુકસાન ઉઠાવવાનો વારો આવશે.

કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ કહ્યું કે ભાજપ પહેલેથી નવી દિલ્હીમાં પોતાના નવા હેડકવાર્ટરમાં જતો રહ્યો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીની નવી ઓફિસ ફંડની અછતના કારણે હજુ પણ નિર્માણધીન છે. એક પછી એક રાજયમાં ચૂંટણી હારવાના કારણે પાર્ટી પર નાણાકીય સંકટ વધતુ જાય છે. જયારે બીજી બાજુ સત્ત્।ાધારી પક્ષ ફંડ ભેગુ કરતો ગયો. રાજકીય વિશેષજ્ઞ અજય બોસના જણાવ્યાં મુજબ કોંગ્રેસ પાસે તક છે કે જો તે સાબિત કરે કે ભાજપ પોતાની જીતને લઈને નિશ્યિત નથી તો કોર્પોરેટ સેકટરને પોતાની તરફ ખેંચી શકે છે.

૨૦૧૯ની ચૂંટણી રસપ્રદ રહેશે કારણ કે જયારે દેશની એક મોટી અમીર પાર્ટી અને શકિતશાળી સરકાર ચૂંટણી પ્રચાર પર જોરદાર ખર્ચ કરશે જયારે બીજી બાજુ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ ફંડની કમીના કારણે બિલકુલ સાધારણ રીતે ચૂંટણી પ્રચાર કરશે.(૨૧.૨૭)

(4:21 pm IST)