Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઉત્તરાખંડ જંગલની આગ વકરીઃ ૪' દિ રેડ એલર્ટઃ ૬ વિદ્યાર્થીનીઓ માંડ- માંડ બચી

આગથી ૨૦૩૮ હેકટર વન વિસ્તાર પ્રભાવીતઃ કરોડો રૂપિયાનું નુકશાનઃ વન્ય જીવો અને લોકોના જીવ જોખમમાં મુકાયાઃ તંત્ર દ્વારા કુલ ૫૪૩૫ લોકો, ૩૧૮ વાહનો અને ૯ પાણી ટેન્કરો કામે લગાડાયાઃ મુખ્યમંત્રી રાવતે વન અધીકારીઓની ઝાટકણી કાઢીઃ હેલીકોપ્ટરથી પણ આગ ઓલવવા પ્રયાસો કરાશેઃ તમામ વનકર્મીઓની રજાઓ રદ્દ

દેહરાદુન, તા.૨૪ : ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ વધુ વિકરાળ બની રહી છે. તંત્ર દ્વારા આગના પગલે ૪ દિવસનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગ એટલી ભયાવહ છે કે તે ૨૪ કલાકમાં અનેક ગણી વધી છે. જંગલથી આગળ નિકળી ગામડાઓ નજીક આગ પહોંચતા ગ્રામીણો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ઉત્તરકાશીમાં આગની ચપેટમાં આવેલ વિદ્યાર્થીનીઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ચકારાતા ખાતે આર્મીના કેમ્પ પાસે આગ પહોંચતા સેનાના જવાનોએ આગ ઓલવવા મોરચો સંભાળેલ. મુખ્યમંત્રીના સખ્ત રૂખના કારણે વનખાતાએ પોતાના તમામ સાધનો આગ ઓલવવા કામે લગાડ્યા છે. વન કર્મીઓ સહીત ૫૪૩૫ લોકો આગ બુઝાવવા કામે લાગ્યા છે.

આખા પ્રદેશમાં ધધકી રહેલ આગ હવે ગામ અને ઘરના પગથીયા સુધી પહોંચી રહી છે. ગઈકાલે ઉત્તરકાશી જીલ્લામાં સ્કુલથી પરત ફરી રહેલ છ વિદ્યાર્થીનીઓ આ આગમાં ઝુલસી ગઈ હતી. જો કે હાલ આ વિદ્યાર્થીનીઓ હાલત ખતરાની બાહર છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આગ ઓલવતી વખતે એક મહિલા પણ પડી જતા ઘાયલ થઈ હતી.

વિકરાળ આગથી અત્યાર સુધીમાં ૨૦૩૮ હેકટર વન ક્ષેત્ર પ્રભાવીત થયેલ છે જયારે ૩૭.૮૪ લાખનું નુકશાન આંકવામાં આવી રહયું છે. આગ ઉપર કાબુ મેળવવા માટે વન વિભાગ દ્વારા ૩૮૯૯ વનકર્મી, ૧૫૨૮સ્થાનીકો, પોલીસ અને એનડીઆરએફના ૧૬ જવાનો આગ ઓલવવા કામમાં લાગ્યાં છે. નોડલ ઓફીસર બી.પી. ગુપ્તા મુજબ ૩૧૮ વાહન અને ૯ પાણીના ટેન્કરને પણ કામે લગાડાયા છે. આ ઉપરાંત ગ્રામીણ લોકોની પણ તમામ સ્થાનો ઉપર મદદ લેવામાં આવી રહી છે.

પૌડીના કેન્દ્રીય વિદ્યાલય સુધી જંગલની આગ ફેલાતા અભ્યાસ કરતા ૬૫૦ વિદ્યાર્થીઓને મંગળવારે ત્યાંથી સુરક્ષીત કાઢવામાં આવેલ. જયારે ધરાસૂ પાસેના જઆરી અને માલનાધાર ગામની ૬ વિદ્યાર્થીનીઓ ૩ કિલોમીટર દુર જંગલના રસ્તે ભણવા જાય છે. સ્કુલ બાદ આ વિદ્યાર્થીનીઓ ઘર પરત ફરતી વખતે આગની ચપેટમાં આવી ગઈ હોવા છતા હિમ્મતથી ભાગવાનું ચાલુ રાખી સુરક્ષીત જગ્યાએ પહોંચી હતી, પણ આ દરમિયાન તેમના કપડા અને બેગમાં આગ લાગી હતી. આ ઉપરાંત તેમના હાથ- પગ આગમાં લપેટાય ગયેલ. ગામના લોકો દ્વારા આ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ પહોંચાડાઈ હતી. ૧૨ થી ૧૪ વર્ષની ૭ અને ૮માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સારવાર બાદ રજા આપવામાં આવેલ.

પ્રદેશભરમાં ફેલાયેલ બેકાબુ આગ અંગે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કડક રૂખ અપનાવતા ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા આગની સમીક્ષા દરમિયાન તેમણે જણાવેલકે આગ અંગેની ઘટનાઓ માટે જીલ્લાઅધિકારીઓ જવાબદેહ રહેશે. સાથે તેમણે વનવિભાગના અધીકારીઓની પણ ઝાટકણી કાઢી પ્રભાગીય વનઅધીકારીઓના પરફોમન્સ એપ્રેજલ રીપોર્ટમાં આગને રોકવાના પ્રયાસો તથા પરીણામો સામેલ કરવા પણ નિર્દેશ આપેલ. આ ઉપરાંત તેમણે બજેટની રકમ ન ફાળવવા બદલ પણ વન વિભાગના અધીકારીઓને ફટકાર લગાવી તુરંત ફંડ રીલીઝ કરવા જણાવેલ.

જંગલોમાં લાગેલી આગ ઉપર નિયંત્રણ મેળવવા સરકાર જરૂર પડયે હેલીકોપ્ટરની મદદ લેવાનું વિચારી રહી છે ત્યારે વન વિભાગના હેડ જયરાજ મુજબ હેલીકોપ્ટરથી આગ પર કાબુ મેળવવો સંભવ નથી. તેમણે ઉમેરેલ કે આટલા મોટા વિસ્તારમાં હેલીકોપ્ટરથી પાણી નાખવું સંભવ નથી અને આ કામ માટે ખર્ચ પણ ખૂબ જ વધારે થઈ શકે છે.(૩૦.૫)

(2:47 pm IST)