Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

શનિવારે દેશભરમાં 'વિશ્વાસઘાત દિન' ઉજવશે કોંગ્રેસ

દરેક રાજયોના પાટનગરમાં અને જિલ્લા મથકોએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ-સ્થાનિક અગ્રણીઓ જોડાશેઃ દેશમાં ભય-અવિશ્વાસ-હિંસાનો માહોલઃ ગેહલોત

નવી દિલ્હી તા.૨૪: કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોતે પત્રકાર પરીષદ યોજી મોદી સરકાર પર હુમલો કરતા કહયું કે, મોદી સરકારના ૪ વર્ષ પ્રજા સાથે વિશ્વાસઘાત જેવા છે. કેન્દ્ર સરકારના ૪ વર્ષ સમાપ્ત થવાના અવસરે ૨૬ મેના રોજ સમગ્ર દેશની રાજધાનીઓમાં પ્રદેશ અધ્યક્ષ અને સ્થાનિક નેતાઓના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે.કોંગ્રેસ દરેક જિલ્લામાં પણ પ્રદર્શન કરશે.

 અશોક ગેહલોતે કહયું કે, કોંગ્રેસેકયારેય વર્ષગાંઠ ઉજવી નથી પરંતુ કેન્દ્ર સરકાર મોટી-મોટી યોજના પર પૈસા વેડફી રહી છે.દેશના લોકોમાં ભય, અવિશ્વાસ, હિંસાનો માહોલ છે. એક તરફ રાહુલ ગાંધી અહિંસા, પ્રેમની રાજનીતિની વાતો કરી રહયા છે. બીજી તરફ આરએસએસની વિચારધારા તેનાથી સંપૂર્ણ વિરૂધ્ધ છે.

 ગેહલોતે કહયું કે, આ સરકારથી કોઇ પણ વર્ગ ખુશ નથી. ખેડુતો, યુવાનો, વેપારીઓ, સોૈની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો. મોંઘવારી વધી રહી છે પેટ્રોલ-ડિઝલ ના ભાવ વધી રહયા છે. ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત ઘટી રહી છે.ભાજપની કહેણી અને કરણીમાં તફાવત છે. દલિતો સુરક્ષિત નથી બાળકીઓ સાથે બળાત્કાર થઇ રહયો છે. લવજિહાદ ઘરવાપસીના વાતાવરણના કારણે કાયદો વ્યવસ્થાની હાલત ખરાબ છે. મોદી સરકારના ૪ વર્ષ પુરા થતાં ૨૬ મેના રોજ કોંગ્રેસ દેશવ્યાપી પ્રદર્શન કરી જનતાના મુદાઓ આગળ લાવશે. આવનારી ચુંટણીઓમાં  મોદી સરકારથી છૂટકારો મેળવવા તમામ પક્ષો એક જૂથ થઇને પ્રયાસો કરશે તેવી આશા સાથે આ પરિષદમાં'વિશ્વાસઘાત' નામે એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવયું છે.(૧.૩)

 

(10:32 am IST)