Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મોદી ફેસબુક પર દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઃ ટ્રમ્પને પણ પછાડયાં

નવી દિલ્હી, તા.૨૪: ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફેસબુક પર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ઇંટરેકશન (સંવાદ) ની દ્રષ્ટિએ ટોચ પર છે. આ સમય દરમિયાન, કોવિડ -૧૯ મહામારીની વચ્ચે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર વિશ્વના નેતાઓના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. વડા પ્રધાન મોદીના તેમના પર્સનલ પેજ પર ૪.૫ કરોડ લાઈકસ છે. તેની જાણકારી વૈશ્વિક સંચાર એજન્સી બીસીડબ્લ્યુ (બર્સન કોહન અને વોલ્ફ) એ એક નવા અહેવાલમાં 'વર્લ્ડ લીડર્સ ઓન ફેસબુક 'માં આપી છે.

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ ફેસબુક પર બીજા નંબરના સૌથી લોકપ્રિય નેતા છે, જેને લગભગ ૨.૭ કરોડ લાઈકસ મળી છે અને જોર્ડનની કવીન રાનિયા ૧.૬૮ કરોડ લાઈકસ સાથે ત્રીજા ક્રમે છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવતાં પહેલાં ટ્રમ્પે ફેસબુક પર પોતાને નંબર વન ગણાવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, 'તે સન્માનની વાત છે. માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર વન છે. નંબર બે પર ભારતના વડા પ્રધાન મોદી છે. ખરેખર હું બે અઠવાડિયામાં ભારતની મુલાકાતે જઇશ. તેના માટે ઉત્સાહિત છું.'

આ અહેવાલ તૈયાર કરવા માટે, એજન્સીએ માર્ચ મહિનામાં વિશ્વ નેતાઓના ૭૨૧ ફેસબુક પેજનો અભ્યાસ કર્યો છે. સંશોધન દર્શાવે છે કે ફકત માર્ચ મહિનામાં જ પેજ લાઈકસમાં ૭.૭ ટકાનો વધારો જોવા મળ્યો છે, જે છેલ્લા ૧૨ મહિનાની સરખામણીએ અડધા છે. આ સમય દરમિયાન, ઇટાલીના વડા પ્રધાન ગ્યૂસેપ કોન્ટે અને ઓસ્ટ્રિયા, એસ્ટોનિયા અને ઇટાલીની સરકારોના ફેસબુક પેજને ડબલ લાઈકસ અને ફોલોઅર્સ મળ્યા છે.

જોકે ટ્રમ્પ ફેસબુક પર બીજા ક્રમના લોકપ્રિય નેતા છે. નવા અધ્યયનમાં ખુલાસો થયો છે કે સંવાદની દ્રષ્ટિએ અમેરિકાના રાષ્ટ્રપતિ આખી દુનિયામાં મોખરે છે. છેલ્લા ૧૨ મહિનામાં, તેમના ફેસબુક પેજ પર ૩૦.૯ કરોડ કમેન્ટ્સ, લાઇકસ અને શેર કરવામાં આવ્યા છે. આ કેસમાં તેમની પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો છે. આ મામલે મોદી ત્રીજા સ્થાને છે.

(9:46 am IST)