Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાના મૂડમાં નથી સરકાર !

નવી દિલ્હી તા. ૨૪ : આસમાને પહોંચેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાંથી હાલ રાહત મળવાની કોઈ આશા નથી, કારણ કે નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એકસાઇઝ ડ્યૂટી ઘટાડવાના મૂડમાં નથી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, નાણાં મંત્રાલય ઇચ્છે છે કે, રાજય સરકાર ફયૂઅલ પર સેલ્સ ટેકસ કે વેલ્યુ એડેડ ટેકસ (VAT) ઓછું કરી લોકોને રાહત આપે.

સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો છેલ્લા ૫૫ મહિનાની ટોચની સપાટીએ પહોંચી ગઈ હતી. પેટ્રોલની કિંમત લિટર દીઠ ૭૪.૫૦ રૂપિયા અને ડીઝલની કિંમત લિટર દીઠ ૬૫.૭૫ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

વિત્ત મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, 'રાજકોષીય ખાધ ઓછું કરવાના ઉદ્દેશથી ચાલી રહેલી સરકાર એકસાઇઝ ડ્યૂટી ઓછી કરવા માંગતી નથી.' પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતોમાં ચોથો ભાગ એકસાઇઝ ડ્યૂટીનો જ હોય છે. તેમણે કહ્યું છે કે, 'એકસાઇઝ ડ્યૂટી ઘટાડવી એ એક રાજકીય નિર્ણય હશે, પરંતુ જો અમારે રાજકોષીય ખાધ બજેટ મુજબ રાખવું હશે તો આવાં નિર્ણયોથી બચવું પડશે.'

સરકારનો ઉદ્દેશ ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને GDPના ૩.૩% કરવાનો છે, ગત નાણાકીય વર્ષમાં તે ૩.૫% હતી. અધિકારીના જણાવ્યા મુજબ, 'ક્રૂડ ઓઇલની કિંમતોમાં દર એક રૂપિયે એકસાઇઝ ડ્યૂટી ઘટાડવા પર સરકારને ૧૨ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. પેટ્રોલિયમ મંત્રાલયે હાલ સત્તાવાર રીતે એકસાઇઝ ડ્યૂટી ઓછી કરવાનું કહ્યું નથી. અધિકારીએ કહ્યું છે કે, શ્નલોકો પરથી પેટ્રોલ-ડીઝલની કિંમતોનો બોજ ઓછો કરવા માટે રાજયોએ વેટમાં કાપ મૂકવો જોઈએ.'

કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૧૯.૪૮ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૧૫.૨૨ રૂપિયા પ્રતિ લિટર એકસાઇઝ ડ્યૂટી લગાવે છે. તેલ પર રાજય સેલ્સ ટેકસ અથવા તો VAT અલગ-અલગ દરે લગાવવામાં આવે છે.(૨૧.૧૦)       

 

(11:37 am IST)