Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કાશ્મીરનું કુદરતી સૌંદર્ય નિહાળવા 'વિસ્ટાડોમ કોચ'ની સુવિધા

મોટી-મોટી કાચની બારીઓમાંથી દેખાશે ઘાટીનો નયનરમ્ય નજારો, આવતા મહિનાથી જ રોમાંચક સફરનો આનંદ લૂંટવા થઇ જાવ તૈયાર : બારામૂલાથી બનિહાલ સુધી પ્રવાસીઓને મોજે-મોજ, ૧૩૫ કિલોમીટરના સફરમાં ગ્લાસરૂફથી બેઠા-બેઠા આકાશી નજારો પણ નિહાળી શકાશેઃ પ્રવાસન વિભાગ, રેલ્વેના વખાણવા લાયક પગલાથી મુલાકાતીઓમાં ખુશીનું મોજુ...

શ્રીનગર,તા.૨૩ :. દેશના કુદરતી સૌંદર્યના ખજાનારૂપ કાશ્મીરમાં નયનરમ્ય પહાડો, મનમોહી લેનારી પ્રકૃતિને નજરોનજર નિહાળી સૌ કોઇ એક વાર વાહ...વાહ...જરૂર બોલી ઉઠતા હશે, પણ હવે પ્રવાસીઓની સુવિધા કાજે રેલ્વે અને પ્રવાસન વિભાગ દ્વારા આવતા મહિનાથી 'વિસ્ટાડોમ કોચ'ની સુવિધા ઉપલબ્ધ થવા જઇ રહી છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર ગયા વર્ષે જુન મહિનામાં તત્કાલીન રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ જમ્મુ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કહયુ હતુ કે, જમ્મુ-કાશ્મીરમાં પણ વિસ્ટાડોમ કોચ શરૂ કરાશે, જે સંદર્ભે જમ્મુ-કાશ્મીરના પ્રવાસન વિભાગના અધ્યક્ષ મહમૂદ શાહે જણાવ્યુ છે કે, વિસ્ટાડોમ કોચ પહોંચી ગયો છે.આવતા મે માસમાંથી સુવિધાનો પ્રારંભ પણ કરી દેવામાં આવશે.તાજેતરમાં મધ્ય કાશ્મીરના બડગામ રેલ્વે સ્ટેશન ઉપર ૪૦ સીટોવાળા કોચનું નિરીક્ષણ કરનાર શ્રી શાહનું કહેવું છે કે, વિસ્ટાડોમ કોચના માધ્યમથી પ્રવાસીઓ કાશ્મીરના કુદરતી સૌંદર્યનો નજારો વધારે નજીકથી માણી શકશે.

 એરકન્ડીનર વિસ્ટાડોમ કોચની વિશેષતા જોઇએ          તો,એમાં કાચની મોટી-મોટી બારીઓ સાથે છત પણ કાચથી જ મઢેલી હશે.ચારેબાજુ ફરતી સીટોમાં બેસી પ્રવાસીઓ બારામૂલાથી બનિહાલ સુધી અંદાજે ૧૩૫ કિલોમીટરની સફરમાં કુરદતી નજારો નિહાળવાની સાથે સાથે કાચમાંથી આકાશી નજારો પણ માણી કુરતના ખોળે ખરેખર રોમાંચક અનુભવનો લ્હાવો લઇ શકશે.

દરમિયાન વધુમાં જાણવા મળ્યા મુજબ સૌ પ્રથમ આંધ્રપ્રદેશ ખાતે આરકુ ઘાટીમાં વિસ્ટાડોમ કોચ સાથેની ટ્રેન ચાલુ થઇ હતી, એવી જ રીતે મુંબઇ-ગોવા માર્ગ ઉપર પણ આવા કોચની સુવિધા ઉપલબ્ધ છે...ત્યાં હવે કાશ્મીરમાં સુવિધાની શરૂઆત થવાની હોવાથી મુલાકાતીઓમાં ખુશીનું મોજુ પ્રસરવા લાગ્યું છે.

કહેવાય છે કે, વિસ્ટાડોમ કોચ માટે બુકીંગ પણ આઇઆરસીટીસી દ્વારા  શરૂ કરી દેવાયું છે.

(3:52 pm IST)