Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

કેન્‍સરનું વધતુ પ્રમાણ ચિંતાજનકઃ પેટનો દુઃખાવો, અચાનક વજન ઘટી જવુ, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ જેવા લક્ષણોમાં આંતરડાનું કેન્‍સર હોઇ શકે

સાયન્‍સ જર્નલમાં પ્રકાશિત થયેલા પેપરમાં પર્યાવરણ અને જિનેટીક પરિબળો કારણભૂત

નવી દિલ્‍હીઃ કોલોન કેન્સર મોટાભાગે વૃદ્ધ લોકોને થાય છે તેવું માનવામાં આવે છે. જો કે, અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા પ્રકાશિત તાજેતરના અભ્યાસ મુજબ દર પાંચ નિદાન કરાયેલા કેસમાંથી એક દર્દી 55 વર્ષથી ઓછી ઉંમરના છે. આનું કારણ શું છે તે સ્પષ્ટ નથી, પરંતુ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા પેપર પર્યાવરણ અને જિનેટિક ફેક્ટર જેવા ઘણા સંભવિત કારણો સૂચવે છે.

કોને છે જોખમ વધારે ?
લગભગ એક તૃતીયાંશ કોલોન કેન્સર કૌટુંબિક ઇતિહાસ સાથે સંબંધિત છે. શરીરનું વધુ વજન કોલોન કેન્સરનું જોખમ વધારે છે. એક અભ્યાસ અનુસાર, 5 ટકા કોલોન કેન્સર શરીરના વધુ વજનને કારણે થાય છે. આ ઉપરાંત, વધારાનું વજન પણ મુખ્યત્વે આંતરડાની જમણી બાજુની ગાંઠો સાથે જોડાયેલું છે.

કેવી રીતે અસર કરે છે?
આ તમામ જોખમી પરિબળો માઇક્રોબાયોમ પર અસર કરે છે. માઇક્રોબાયોમ એ બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવોની વસ્તી છે જે માનવ પાચનતંત્રમાં રહે છે. કોલોન કેન્સર ત્યારે શરૂ થાય છે જ્યારે કોલોન અથવા ગુદામાર્ગના અસ્તરમાં તંદુરસ્ત કોષો બદલાય છે અને નિયંત્રણ બહાર વધે છે અને ગાંઠો બનાવે છે.

કોને છે વધારે જોખમ
જો કેન્સરની વહેલી ખબર પડી જાય, તો જીવિત રહેવાનો દર 90 ટકા છે. દર્દીઓ માટે ગુદામાર્ગના રક્તસ્રાવ અને આયર્નની ઉણપ જેવા લક્ષણો અને ચિહ્નો જોવા મળે તો આ અંગે તપાસ કરવી મહત્વપૂર્ણ છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.

આ લક્ષણોને હળવાશથી ન લો
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મેડિસિનના પ્રોફેસર એન્ડ્રુ ચાને જણાવ્યું હતું કે યુવાનોમાં એવું માનવાની વૃત્તિ છે કે તેઓ યુવાન અને સ્વસ્થ છે અને જો તેમનામાં કેટલાક લક્ષણો હોય તો તે ક્ષણિક છે અથવા કેન્સર સંબંધિત નથી. પરંતુ પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ જેવા લક્ષણોને હળવાશથી લેવા જોઈએ નહીં. તુરંત ડોક્ટરી તપાસ કરાવવી જોઈએ.

(6:47 pm IST)