Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ED, CBIના દુરૂપયોગની સામે ૧૪ વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટના દ્વારે

૫મી એપ્રિલે સુનાવણી : સરકાર પર એજન્‍સીના દુરૂપયોગનો આરોપ

નવી દિલ્‍હી તા. ૨૪ : કેન્‍દ્રીય તપાસ એજન્‍સીઓના કથિત રૂપે મનમાની ઉપયોગને લઈને ૧૪ રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. ચીફ જસ્‍ટિસ ઓફ ઇન્‍ડિયા ડી. વાય. ચંદ્રચૂડની સામે આ મામલાને સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ ઉઠાવ્‍યો છે. રાજકીય વિરોધીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. જેથી તપાસ એજન્‍સી અને કોર્ટે માટે ધરપકડ અને રિમાન્‍ડ પર ગાઇડલાઇન બનાવવામાં આવે. આ મામલામાં પાંચ એપ્રિલે સુનાવણી થશે. ખાસ વાત એ છે કે આ ૧૪ રાજકીય પાર્ટીઓમાં દેશની સૌથી મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ પણ સામેલ છે.

આ ઉપરાંત એમાં આમ આદમી પાર્ટી, તૂણમૂલ કોંગ્રેસ, ઝારખંડ મુક્‍તિ મોરચો, જનતા દળ યુનાઇટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, RJD, સમાજવાદી પાર્ટી, નેશનલ કોન્‍ફરન્‍સ, CPI, CPI (M), DMK અને શિવસેના પણ સામેલ છે.  પાછલા દિવસોમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટએ ૩૧ જાન્‍યુઆરી, ૨૦૨૩ સુધીના આંકડા જારી કર્યા હતા. EDએ અત્‍યાર સુધી મની લોન્‍ડરિંગ એક્‍ટ (PMLA) ૨૦૦૨ હેઠળ એન્‍ફોર્સમેન્‍ટ મામલાની ૫૯૦૬ સૂચના રિપોર્ટ ECIR કેસ નોંધ્‍યા છે. આ કેસોમાં ૫૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં દરોડાના ૫૩૧ કેસોમાં પડ્‍યા છે. આ ૫૩૧ કેસોમાં ૪૯૫૪ સર્ચ વોરન્‍ટ જારી થયા છે.

આ બધા કેસોમાં નેતાઓની સામે ૧૭૬ કેસો નોંધવામાં આવ્‍યા છે. અનેક દિગ્‍ગજ નેતાઓ પર પણ કેસ નોંધવામાં આવ્‍યા છે. EDએ કુલ કેસોના આશરે ત્રણ ટકા કેસોમાં અત્‍યાર સુધી ૧૧૪૨ ચાર્જશીટ રજૂ થઈ છે. PMLA હેઠળ ૨૫ કેસોમાં ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે, એમાં ૨૪ કેસોમાં આરોપી દોષી ઠેરવવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધી ૪૫ આરોપીને દોષી ઠેરવવામાં આવ્‍યા છે.

(4:08 pm IST)