Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગેરકાયદે સંગઠનનું સભ્‍ય હોવું પણ UAPA હેઠળ અપરાધ ગણાય

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો કોર્ટે ૨૦૧૧માં આપેલા તેના ચુકાદાને જ પલટી નાખ્‍યો : ચુકાદામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ (રોકથામ) કાયદા, ૧૯૬૭ને કલમ ૧૦(એ)(૧)ને પણ યોગ્‍ય ઠેરવી

નવી દિલ્‍હી તા. ૨૪ : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. આ ચુકાદા અનુસાર ગેરકાયદે સંગઠનનું સભ્‍ય હોવું પણ અપરાધ મનાશે. સુપ્રીમકોર્ટે કહ્યું કે ગેરકાયદે સંગઠનનું સભ્‍ય હોવું જ UAPA હેઠળ કાર્યવાહીનો આધાર બની શકે છે. ખાસ વાત એ છે કે સુપ્રીમકોર્ટે આજે આપેલા ચુકાદામાં ૨૦૧૧માં આપેલા તેના ચુકાદાને જ પલટી નાખ્‍યો છે. સુપ્રીમકોર્ટે અરુપ ભુયન વિરૂદ્ધ આસામ સરકાર, ઈન્‍દિરા દાસ વિરૂદ્ધ આસામ સરકાર અને કેરળ સરકાર વિરૂદ્ધ રનીફના કેસમાં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ગેરકાયદે સંગઠનનું સભ્‍ય હોવું જ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આધાર ન હોઈ શકે જયાં સુધી કે તે કોઈ હિંસક ઘટનામાં સામેલ ન હોય.

જસ્‍ટિસ એમ.આર.શાહ, જસ્‍ટિસ સી.ટી. રવિકુમાર અને જસ્‍ટિસ સંજય કરોલની બેન્‍ચે તેના ચુકાદામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ(રોકથામ) કાયદા, ૧૯૬૭ની કલમ ૧૦(એ)(૧)ને પણ યોગ્‍ય ઠેરવી છે જે ગેરકાયદે સંગઠનના સભ્‍યપદને પણ અપરાધ જાહેર કરે છે. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે ૨૦૧૧નો ચુકાદો જામીન અરજી પર આપવામાં આવ્‍યો હતો જયાં કાયદાની જોગવાઈઓની બંધારણીયતા પર સવાલ ઊઠાવાયો નહોતો. સાથે જ ગેરકાયદે પ્રવૃત્તિઓ(રોકથામ) કાયદો અને આતંકવાદ તથા વિઘટનકારી ગતિવિધિઓ (રોકથામ) એક્‍ટની બંધારણીયતાને પણ યોગ્‍ય ઠેરવાઈ હતી.

(4:02 pm IST)