Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

એશિયા કપ પાકિસ્‍તાનમાં રમાશેઃ ભારતના મેચ અન્‍ય દેશમાં

ભારત- પાક.બોર્ડ વચ્‍ચે ચાલી રહેલા વિવાદનો અંત?ટૂર્નામેન્‍ટમાં ભારત- પાક. વચ્‍ચે ૨ થી ૩ મેચો રમાવાની શકયતા, કુલ ૧૩ મેચો રમાશે

નવી દિલ્‍હીઃ છેલ્લા લગભગ ૬ મહિનાથી ચાલી રહેલ ખેંચતાણ નિરાકરણની આરે પહોંચતી હોય તેમ લાગી રહ્યું છે. એશિયા કપના આયોજનને લઈને વિશ્વ ક્રિકેટની બે શક્‍તિઓ અને બે પાડોશી દેશો ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ચાલી રહેલો વિવાદ તેના અંત સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. જેના પર બંને દેશોના ક્રિકેટ બોર્ડ સહમત હોવાનું જણાય છે.

અહેવાલો અનુસાર, પાકિસ્‍તાન આ વર્ષે સપ્‍ટેમ્‍બરમાં યોજાનારી એશિયા કપ ૨૦૨૩  વન-ડે ટૂર્નામેન્‍ટની યજમાની કરશે. ફરક માત્ર એટલો હશે કે ભારતની મેચ પાકિસ્‍તાનમાં નહીં રમાય.પાકિસ્‍તાનની સાથે સાથે કોણ હોઈ શકે છે  મેજબાન દેશ? મળતી માહિતી અનુસાર, બંને બોર્ડ વચ્‍ચે ટૂર્નામેન્‍ટ માટે વચ્‍ચેના માર્ગ પર સમજૂતી થઈ હોય તેમ લાગી રહ્યું છે. અહેવાલ મુજબ, પાકિસ્‍તાનમાં જ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવું શકય જણાય છે.  કારણ કે પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઈ વચ્‍ચે ટુર્નામેન્‍ટને બે અલગ-અલગ સ્‍થળોએ આયોજિત કરવા માટે સહમતિ થઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ભારતની મેચ પાકિસ્‍તાનને બદલે અન્‍ય કોઈ દેશમાં યોજવામાં આવશે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે એશિયા કપ પર સંઘર્ષની સ્‍થિતિને સમાપ્ત કરવા માટે ACCના તમામ સભ્‍યો આ પ્રસ્‍તાવ પર સૈદ્ધાંતિક રીતે સહમત થયા છે. ગયા અઠવાડિયે ICC બોર્ડની બેઠકની સમયે દુબઈમાં ACC સભ્‍યોની બેઠકમાં આ અંગે સહમતિ બની હતી. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ઉકેલના આ માર્ગને સંપૂર્ણ રીતે સાચો બનાવવા માટે, એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે, જે તમામ ટીમોની સંમતિને ધ્‍યાનમાં રાખીને મુસાફરી યોજના અને લોજિસ્‍ટિક્‍સની વ્‍યવસ્‍થાઓનું ધ્‍યાન રાખશે.

ટુર્નામેન્‍ટના ફોર્મેટ હેઠળ આ વખતે પણ ૬ ટીમો ભાગ લેશે, જેને ૩-૩ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.ભારત અને પાકિસ્‍તાન ફરી એકસાથે એક ગ્રુપમાં છે.બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્‍લાદેશ અને અફઘાનિસ્‍તાન છે.બંને ગ્રુપમાંથી ૨-૨ ટીમો સુપર-૪ રાઉન્‍ડમાં પહોંચશે, જ્‍યાં તમામ ટીમો એકબીજા સાથે ટકરાશે.ત્‍યારબાદ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. એટલે કે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ઓછામાં ઓછી ૨ અને વધુમાં વધુ ૩ મેચો થઈ શકે છે.ટૂર્નામેન્‍ટમાં કુલ ૧૩ મેચો રમાશે, જેમાં ઓછામાં ઓછી ૫ મેચો (તમામ ભારતની) પાકિસ્‍તાનની બહાર રમાશે

(11:19 am IST)