Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના સંકટ : ૫૫ સીટો પર રાજ્યસભાની ચૂંટણી મોકૂફ

વ્યાપક વિચારણા કર્યા બાદ ચૂંટણી પંચનો નિર્ણય : ૨૬ માર્ચના દિવસે ૧૭ રાજ્યોની ૫૫ સીટો ઉપર મતદાન થનાર હતું : નવી તારીખની ટૂંક સમયમાં જ જાહેરાત થશે

નવી દિલ્હી, તા. ૨૪ : કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે ચૂંટણી પંચે ૨૬મી માર્ચના દિવસે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યસભાની ૫૫ સીટો માટે ૨૬મી માર્ચના દિવસે મતદાન થનાર હતા. કોરોના વધતા જતાં કેસો વચ્ચે ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ૧૭ રાજ્યોને આવરી લેતી રાજ્યસભાની ૫૫ સીટ પર ચૂંટણી યોજાનાર હતી. મહારાષ્ટ્રમાં સાત, ઓરિસ્સામાં ચાર, તમિળનાડુમાં , બંગાળમાં પાંચ સીટો બીજી એપ્રિલના દિવસે ખાલી થઇ રહી છે. ઉપરાંત આંધ્રપ્રદેશની ચાર, તેલંગાણાની બે, ગુજરાતની ચાર, છત્તીસગઢની બે, બિહારની પાંચ, હરિયાણામાં બે, ઝારખંડમાં બે, મધ્યપ્રદેશમાં ત્રણ સીટો ખાલી થઇ રહી છે.

         આ તમામ સીટો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાનાર હતી પરંતુ તમામ બાબતોને ધ્યાનમાં લઇને રાજ્યસભાની ચૂંટણીને હાલપુરતી ટાળી દેવામાં આવી છે. ચૂંટણી પંચે આગામી એપ્રિલ મહિનામાં ખાલી થઇ રહેલી રાજ્યસભાની સીટો પર ચૂંટણીને ટાળી દીધી છે. પંચ તરફથી આજે મંગળવારના દિવસે નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં મતદાન અને મતગણતરીની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ૨૫મી ફેબ્રુઆરીના દિવસે ૧૭ રાજ્યોની ૫૫ રાજ્યસભા સીટ માટે ૨૬મી માર્ચના દિવસે ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી હતી. પૂર્વ નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ હેઠળ આયોજન થઇ શક્યું નથી. હવે નવેસરથી ગણતરી કરવામાં આવનાર છે. ૧૮મી માર્ચના દિવસે ઉમેદવારી પરત લેવાની અંતિમ તારીખ બાદ ૧૦ રાજ્યોની ૩૭ સીટો માટે એક એક ઉમેદવારી હોવાના લીધે સીટો પર કોઇપણ ચૂંટણી વગર ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરી દેવાયા છે.

       પંચની સૂચના મુજબ ગુજરાત, આંધ્ર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય અને રાજસ્થાનની ૧૮ સીટો ઉપર ૨૬મી માર્ચના દિવસે મતદાન થનાર હતું. વિશેષ પરિસ્થિતિના કારણે ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. મતગણતરીને લઇને પણ વ્યાપક વિચારણા કરવામાં આવી હતી. રાજ્યસભાની રાજ્યોની ૧૮ સીટો માટે સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોની યાદી પહેલાથી જારી કરી દેવામાં આવી હતી. પંચે એમ પણ કહ્યું છે કે, કોરોના વાયરસને રોકવા માટે જુદા જુદા રાજ્યો મથામણમાં લાગેલા છે ત્યારે હાલમાં ચૂંટણી યોજવાની બાબત યોગ્ય નથી. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ હાલમાં થયેલી છે. ૨૩મી માર્ચના દિવસે ચૂંટણી અધિકારીઓ પાસેથી મળેલા અહેવાલના આધાર પર સમીક્ષા કરવામાં આવી હતી. આખરે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને ચૂંટણીને મોકૂફ કરી દેવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી પર તમામની નજર કેન્દ્રિત હતી.

(7:58 pm IST)