Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

મોતના આંકડાના મામલે ચીન-ઇટલી બાદ સ્પેન કોરોનાનો નવો ગઢ બની ગયોઃ સ્‍પેનમં હાલત ખૂબ જ ખરાબઃ ૨ હજારથી વધુના મોત

નવી દિલ્હી: દુનિયાના એકદમ ખુબસુરત દેશોમાં જેની ગણના થાય છે તે સ્પેન કોરોના વાયરસના કહેર સામે ઝઝૂમી રહ્યો છે. કોરોનાની ચપેટમાં આવીને અત્યાર સુધીમાં સ્પેનમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 35000 લોકો તેનાથી સંક્રમિત થયા છે. સોમવારે જ આ બીમારીથી લગભગ 462 લોકોના મોત થયા. સ્થિતિ એવી છે કે ઘરોમાં લાશ પડી છે અને તેને હટાવવા માટે હવે સેનાની મદદ લેવી પડી રહી છે. અનેક ગંભીર રીતે બીમાર વૃદ્ધોને લાવારિસ રઝળતા મૂકી દેવાયા છે.

ચીન અને ઈટાલી બાદ સ્પેન ત્રીજા નંબરે

કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્પેનમાં હાલાત ખુબ ખરાબ થઈ ગયા છે. મોતના આંકડાના મામલે ચીન અને ઈટાલી બાદ સ્પેન કોરોનાનો નવો ગઢ બની ગયો છે. 14 માર્ચથી સમગ્ર સ્પેનમાં લોકડાઉન છે પરંતુ મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. સરકારે જેમ જેમ કોરોનાની તપાસ ઝડપી કરી છે તેના સંક્રમણના મામલા સતત ઝડપથી આગળ વધી રહ્યાં છે. આ બધા વચ્ચે સેનાને એ વાતની જવાબદારી સોંપાઈ છે કે તેઓ કેરહોમ્સને વાયરસથી મુક્ત કરે જેથી કરીને બીમારીના પ્રસારને રોકી શકાય.

કેર હોમ્સમાં બીમાર વૃદ્ધોની હત્યાનો શક

સ્પેનની સેનાને એ વાતની પણ જવાબદારી સોંપાઈ છે કે  તેઓ ઘરોમાં લાવારિસ પડેલી લાશોની ભાળ મેળવે. કહેવાય છે કે કેટલાક ઘરોમાં અનેક દિવસથી લાશો પડી છે પરંતુ કોરોનાના સંક્રમણના ડરથી તે ઘરમાં જ રહેતા પરિવારના સભ્યો તેને ઉઠાવવાની હિંમત કરતા નથી. હવે આ ઘરોમાં જઈને સ્પેનના સૈનિકો મૃતદેહોને ઉઠાવી રહ્યાં છે. એ વાતની પણ તપાસ હાથ ધરાઈ છે કે ક્યાંક તેમની સાથે કોઈ અપરાધ  કે પછી તેમની હત્યા તો નથી થઈ ને.

કોરોનાથી પીડિત બીમાર વૃદ્ધોને રઝળતા મૂકી દેવાયા

સ્પેનની સેના તે કેર હોમ્સની પણ તપાસ કરી રહી જ્યાં વૃદ્ધો રહેતા હતાં. સરકારી સંભાળ લેનારાઓએ જાહેરાત કરી છે કે તેઓ મેન્ડ્રિડ કેર હોમ્સની તપાસ કરી રહ્યાં છે જ્યાં 17 લોકોના મોત થયા હતાં. સ્થાનિક સવાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે અલ્કોયમાં 21 લોકો માર્યા ગયા છે. અહીં હજુ જણાવવામાં નથી આવ્યું કે કઈ જગ્યાએ 'લાવારિસ' મૃતદેહો છોડવામાં આવ્યાં. સ્પેનના રક્ષામંત્રીએ જણાવ્યું કે સેનાની તપાસ દરમિયાન અનેક એવા બીમાર વૃદ્ધો જોવા મળ્યા જે જીવિત હતાં પરંતુ તેમને પથારીમાં જ 'લાવારિસ' છોડી દેવામાં આવ્યાં હતાં.

વૃદ્ધો માટેના 20 ટકા કેર હોમ્સ કોરોના વાયરસથી પીડિત

રક્ષા મંત્રીએ  કહ્યું કે પેન્શનર્સનો આ કેર હોમ્સમાં યોગ્ય રીતે ઈલાજ થતો નહતો. તેમણે કહ્યું કે વૃદ્ધો માટે બનાવવામાં આવેલા કેર હોમ્સમાં તેમની યોગ્ય દેખભાળ થઈ નહીં. તેના જવાબદારો સામે કાર્યવાહી થશે. આ અગાઉ કાસા ડી કંપોમાં સૌથી પહેલા કેર હોમ્સની અંદર કોરોના વાયરસથી સામૂહિક મોતના અહેવાલ આવ્યાં હતાં. રાજધાની મેન્ડ્રિડમાં પણ નેતાઓ એ સ્વીકાર્યું છે કે 20 ટકા વૃદ્ધો માટેના કેર હોમ્સમાં કોરોના વાયરસ ફેલાયેલો છે.

(5:44 pm IST)