Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ઘરમાં નહીં રહેનાર ભાઇ-બહેનોને પોલીસે બરાબર સમજાવ્યા

બેદરકાર લોકો સામે પોલીસ વધુ આકરી બનશે : કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે

ખુદ વડાપ્રધાને અપીલ કરી, મુખ્યમંત્રીએ અપીલ કરી, પોલીસ સમજાવી રહી છે...છતાં અમુક અણસમજુઓ આંધળુકીયા કરી રહ્યા છે!

રાજકોટઃ નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મહામારી જાહેર કરતાં સમગ્ર વિશ્વ આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ભારત દેશમાં પણ આ મહામારીનો કહેર શરૂ થઇ ગયો હોઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રજોગ અપિલ કરી સોૈને ઘરમાં રહેવા જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ સોૈને ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે. ગત રાતથી તો સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરી હવે ફરજીયાતપણે લોકોને ઘરમાં જ રહેવા અને ઇમર્જન્સી સિવાય બહાર ન નીકળવા ડીજીપીશ્રી ઝાએ અપિલ કરી છે. આજથી સમગ્ર રાજકોટ શહેરમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ તંત્ર સતત દોડધામ કરી રહ્યું છે. લોકડાઉન એટલે લોકોનો પોતાનો કર્ફયુ...લોકોએ જાતે જ ઘરમાં રહી લોકડાઉનનું પાલન કરવાનું હોય છે. પરંતુ આમ છતાં રાજકોટની અમુક અણસમજુ પ્રજાને સમજાવવા પોલીસને મેદાનમાં આવવું પડે છે. પોલીસ છેલ્લા બે દિવસથી પ્રજાજનોએ અનુરોધ-અપિલ કરી રહી છે કે કોરોનાના કહેરથી બચવા ઘરમાં જ રહો. ગઇકાલે પણ પોલીસે ગોષ્ઠીની ભાષાનો પ્રયોગ કર્યો હતો, ન સમજ્યા તેના માટે લાઠીની ભાષા વાપરી હતી. આમ છતાં આજે લોકડાઉન વચ્ચે લોકો આંધળુકીયા કરી કોઇપણ જાતના ચોક્કસ ઇમર્જન્સી કારણ વગર જ બહાર નીકળી પડ્યા હતાં. પોલીસે ઘણા લોકોને અટકાવ્યા હતાં. અમુકે પોતે દવા લેવા જતાં હોવાના પુરાવા આપ્યા હતાં તો અમુક ખાસ જરૂરીયાત સબબ નીકળ્યાનું કહ્યું હતું. પોલીસે ખરાઇ કરી હતી અને આવા લોકોને જવા દીધા હતાં. પરંતુ અમુક એવા મળ્યા હતાં જેની પાસે પોતે શા માટે નીકળ્યા? તેના કોઇ કારણ જણાવ્યા નહોતાં, બસ લટાર મારવા નીકળ્યા એવું કહેતાં જ પોલીસે તેને કાયદો સમજાવ્યો હતો. એક યુવતિને મહિલા પીએસઆઇએ તેણી કારણ વગર ઘર બહાર નીકળી હોઇ કડક ભાષામાં સમજાવતાં તેણે પોક મુકી દીધી હતી (પ્રથમ તસ્વીર), એક કાર ચાલક પણ બહાર એમ જ નીકળ્યા હોઇ પોલીસે તેના હાથમાં 'હું સમાજનો દુશ્મન છું' તેવા લખાણ સાથેના બોર્ડ પકડાવી ફોટા પાડ્યા હતાં (બીજી તસ્વીર) તથા નીચેની તસ્વીરમાં લોકડાઉનનું પાલન નહિ કરનારા લોકોને ઉઠક-બેઠક કરાવતી અને દંડાથી સમજાવતી પોલીસ નજરે પડે છે. પોલીસ એકલી કંઇ ન કરી શકે, પોલીસને કાયદાનું પાલન કરાવવા માટે કોઇપણ રસ્તો અપનાવવાનો છુટો દોર છે. આમ છતાં પોલીસ હાલમાં માનવતા દાખવી રહી છે અને રાજકોટની શાંતિપ્રિય પ્રજાને સમજાવી રહી છે. આમ છતાં જો લોકો નહિ માને તો પોલીસ પાસે હજુ પણ બીજા આકરા પગલા લેવાના પાવર્સ છે જે...ત્યારે હવે એટલુ જ કહી શકાય કે-કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. (ફોટોઃ અશોક બગથીરીયા)

(3:40 pm IST)