Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

લોકડાઉન સજ્જડ-સફળ

સર્વત્ર સન્નાટોઃ બધુ જ બંધ

રાતના ૧૨ વાગ્યાથી જ કડક અમલવારીનો પ્રારંભઃ પ્રજા કોરોના પ્રત્યે વધુ ગંભીર બનીઃ તંત્રને પૂરેપૂરો સહકાર : મેડિકલ સ્ટોર, કરિયાણાની દૂકાનો, દૂધ-શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, સરકારી સેવાઓને લોકડાઉન લાગુ પડશે નહિઃ તમામ ચેકપોસ્ટ પર બહારથી આવતાં વાહનોનું ખાસ ચેકીંગઃ કાયદાનો કડક અમલ કરાવતી પોલીસઃ સોૈનું સારૂ ઇચ્છો, ઘરે જ રહો : રાજ્યભરમાં એસઆરપીએફની ૬ અને આરએએફની ૪ કંપનીઓ ફાળવાઇઃ રાજ્યભરમાં જાહેરનામા ભંગ બદલ અત્યાર સુધીમાં ૬૨થી વધુ ગુના નોંધાયાઃ કવોરન્ટાઇન ભંગના ૧૮ ગુના દાખલ

અધિકારીઓ, કર્મચારીઓનો ઉત્સાહ વધારતા પોલીસ કમિશનરઃ સવારથી સુમસામઃ શહેરમાં કોરોનાને પગલે જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા સમગ્ર પોલીસ તંત્ર કામે લાગ્યું છે. જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં જે તે ઝોનના એસીપી અને પોલીસ ઇન્સપેકટર્સ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે તેમને પ્રોત્સાહિત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા જાતે રાઉન્ડમાં નીકળ્યા હતાં અને અધિકારીઓને મળી ઓલ વેલ...ની માહિતી મેળવી હતી. જે પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે. બાકીની તસ્વીરોમાં આજ સવારનો માહોલ છે...આ એ રસ્તાઓ, ચોક છે જ્યાં વહેલી સવારથી જ માનવ મ્હેરામણ ઉમટતું જોવા મળતું હોય છે. પરંતુ ગત રાતના ૧૨ વાગ્યાથી રાજ્યભરમાં લોકડાઉન જાહેર થતાં આજે સવારે પોણા આઠે આ રસ્તાઓ સુમસામ હતાં...જાણે કર્ફયુનો માહોલ સર્જાયો હતો. ૩૧મી સુધી પોલીસતંત્ર આવો જ માહોલ કાયમ રહે તે માટે સતત કાર્યરત રહેેશે. આપણે નગરજનો પણ પોલીસને સહકાર આપીએ અને આદેશોનું પાલન કરીએ એ સોૈના હિતમાં ગણાશે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૪: કોરોનાના કહેર સામે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૩૧મી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવતાં અને તેનો કડક અમલ કરાવવાની સુચનાઓ મળતાં તમામ પોલીસ તંત્ર આ અમલવારી માટે કામે લાગી ગયું છે. લોકોને પ્રારંભે જ ઘરમાં રહેવા સુચનાઓ અપાઇ હતી અને સમજાવાયા હતાં. પરંતુ આમ છતાં અમુક લોકો સમજતાં ન હોઇ નાછુટકે રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. રાજકોટ શહેરમાં પણ પોલીસે તેની કકડ અમલવારી રાતના બારથી જ શરૂ કરાવી દીધી છે. જેના કારણે શહેરના   આજ સવારથી શહેરમાં કર્ફયુ જેવો માહોલ સર્જાયો છે. પોલીસે લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવા સુચના આપી છે. ચોક્કસ કે યોગ્ય કારણ વગર બહાર નીકળનારાઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરવા કટીબધ્ધ છે. રાજકોટમાં લોકડાઉન સજ્જડ અને સફળ રહ્યું છે. લોકો મોટે ભાગે ઘરમાં જ રહેતાં સર્વત્ર સુમસામ જોવા મળ્યું છે.

ડીજીપીશ્રી ઝાએ જણાવ્યું હતું કે સોમવાર રાત્રીના ૧ર.૦૦થી સમગ્ર રાજયમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે અને  સમગ્ર પોલીસ તંત્રને લોકડાઉનનો કડકમાં કડક અમલ કરાવવા આદેશો કરતાં આજે મંગળવાર સવારથી જ કડક અમલવારીનો પ્રારંભ થઇ ગયો છે. જેના કારણે રાજકોટ શહેરમાં સ્વયંભુ કર્ફયુ જેવો માહોલ સર્જાયો છે.  આ આદેશનું ગત રાત્રે ૧ર વાગ્યાથી તા. ૩૧ / ૦૩ / ૨૦૨૦ સુધી ચુસ્ત અમલીકરણ કરવામાં આવશે . આ માટેનું વિગતવારનું અધિકૃત જાહેરનામું ગૃહ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ છે.

લોકડાઉનમાં રાજયની અન્ય રાજયો સાથેની તમામ આંતરરાજય બોર્ડર સીલ કરવામાં આવી છે. આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવામાં આવી છે. તમામ પ્રકારના માલવાહક વાહનો ટ્રાન્સપોર્ટ, ગૂડઝ વ્હીકલ, કાર્ગો સહિત રાબેતા મુજબ ચાલુ રહેશે જેથી તમામ જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન ઉભી ન થાય. 

જે સેવાઓ-વ્યકિતઓને આ લોકડાઊન લાગુ નહિ પડે તેમાં મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો, દુધ-શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તથા જરૂરી સરકારી સેવાઓ વિગેરે જેવી આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓ નિયમિત રીતે ચાલુ રહેશે.

આ સેવાઓના કેન્દ્રો અથવા દુકાનોને કોઇ અસર નહિ થાય અને આ સેવાઓ માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. ટકસી, કેબ, રીક્ષા, લકઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. ખાનગી વાહનો ટુ વ્હીલર્સ - ફોર વ્હીલર્સની અવરજવર ઓછી કરવાના હેતુથી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં માત્ર બે વ્યકિત જ મુસાફરી કરી શકશે.

આ નિર્ણય જનતાના હીતમાં લેવામાં આવેલ છે. જેથી આ નિર્ણયનો અમલ કરાવવા માટે પોલીસને તમામ પ્રકારે સહયોગ આપવા ડીજીપીશ્રીએ અપીલ કરી છે.  સ્થાનિક કક્ષાએથી દરેક પોલીસ સ્ટેશન દ્વારા પણ આ લોકડાઉનનો અમલ કરાવવા માટે પણ પગલાં લેવામાં આવશે. જેમાં લોકોએ સંપુર્ણ સહયોગ આપવાનો રહેશ. જે લોકો દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે અથવા પોલીસને સહયોગ આપવામાં નહિં આવે તેની સામે ગુનો દાખલ કરવા સહિતના કાયદેસરના પગલાં લેવામાં આવશે.

લોકડાઉનનો અસરકારક અમલીકરણ કરવા માટે અલગથી જે ફોર્સ ફાળવવામાં આવેલ છે. જેમાં રાજય ભરમાં એસઆરપીએફની કુલ ૬ કંપનીઓ ફાળવવામાં આવેલ છે . ઉપરાંત આરએએફની ૪ કંપની ફાળવવા પણ આયોજન કરવામાં આવેલ છે . લોકડાઉના-કવોરન્ટાઇન સંદર્ભે હાલ સુધી લેવાયેલ કાયદેસરના પગલાંઓમાં ૧૮૮ના જાહેરનામાના ભંગ બદલ ૬૨થી વધુ ગુના નોંધાયા છે. તેમજ કવોરન્ટાઇન કરાયેલી વ્યકિતઓ દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોય તેવા ૧૮થી વધુ ગુના આઇપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧ મુજબ દાખલ કરવામાં આવ્યા છે.

(3:33 pm IST)