Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

શિવરાજસિંહે વિધાનસભામાં સાબિત કર્યો વિશ્વાસ મત

સપા - બસપા એ કર્યુ સમર્થન : ૧૧૨ ધારાસભ્યોના મળ્યા મત

ભોપાલ તા. ૨૪ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લેનાર શિવરાજ સિંહ ચૌહાણે આજે વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કર્યો. સોમવાર મોડી રાત્રે જ શિવરાજે મુખ્યમત્રી પદના શપથ લઇ લીધા હતા. વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે શિવરાજ સરકારને ૧૦૪ અંકની જરૂર હતી. પરંતુ ભાજપે ૧૧૨ ધારાસભ્યોનું સમર્થન સાબિત કર્યું. આની પહેલાં ૨૨ ધારાસભ્યોના રાજીનામા બાદ અલ્પમતમાં આવવાના લીધે કમલનાથે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભામાં શિવરાજ સરકારને કુલ ૧૧૨ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું. તેમાં ભાજપના ૧૦૭ સિવાય બસપા-સપા અને અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપનું સમર્થન કર્યું.

સોમવારના રોજ શપથ લીધા બાદ શિવરાજની તરફથી વિધાનસભાનું ચાર દિવસનું ખાસ સત્ર બોલાવ્યું છે. જે ૨૪મી માર્ચ થી ૨૭ માર્ચ સુધી ચાલશે. વિધાનસભાના ચાર દિવસીય ખાસ સત્રમાં ગૃહની કુલ ત્રણ બેઠકો હશે.

કમલનાથ સરકારના રાજીનામાના ચાર દિવસ બાદ સોમવારની સાંજે શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેની સાથે જ શિવરાજ સિંહ રાજયના પહેલાં એવા નેતા છે જે ચોથી વખત મુખ્યમંત્રી બન્યા છે. શિવરાજના હાથમાં સત્તાની કમાન આવતા જ વિધાનસભા સ્પીકર નર્મદા પ્રસાદ પ્રજાપતિએ અડધી રાત્રે જ સ્પીકર પદ પરથી રાજીનામું આપી દીધું. વિધાનસભા ઉપાધ્યક્ષને મોકલી પોતાના રાજીનામામાં તેમણે નૈતિકતાને આધાર બનાવ્યો છે. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા જ એકશન મોડમાં આવી ગયા. તેમણે સૌથી પહેલાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વલ્લભ ભવનમાં પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રમાંથી આવેલા ઉચ્ચ અધિકારીઓની સાથે ઇમરજન્સી બેઠક કરી અને તેને ઉકેલવા માટે જરૂરી પગલાં ઉઠાવા માટે અધિકારીઓને દિશા-નિર્દેશ આપો. શપથ લીધા બાદ મુખ્યમંત્રી ચૌહાણ મંત્રાલય પહોંચ્યા અને પૂજા-અર્ચના પણ કરી.

(3:29 pm IST)