Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કેરળ-પંજાબમાં 'દારૂ' જીવન જરૂરિયાત વસ્તુઓની લિસ્ટમાં સામેલ

લોકડાઉન દરમિયાન ત્યાં દારૂની દુકાન ચલાવવા માટે મંજૂરી

તિરુવંતપુરમ/ચંડીગઢ, તા.૨૪: ભારતમાં જીવલેણ કોરોના વાયરસને અટકાવવા માટે કેન્દ્ર સરકારના આદેશ મુજબ ૩૦ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કેરળ અને પંજાબમાં લોકડાઉન દરમિયાન દારૂને જીવન જરૂરિયાત વસ્તુઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જેથી ૩૧ માર્ય સુધી લોકડાઉન દરમિયાન ત્યાં દારૂની દુકાન ચલાવવા માટે મંજૂરી આપવામાં આવશે.

સોમવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કરેલા ટ્વીટને સમર્થન આપતા કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન રાજયમાં દારૂના વેચાણનો પંજાબ સરકારનો આ નિર્ણય યોગ્ય છે.

વધુમાં તેમણે કહ્યું કે, 'મારી પાસે પંજાબના સીએમનો મેસેજ છે હું તમારી માટે વાંચુ છું...પંજાબમાં તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ચાલુ રહેશે. જીવન જરૂરિયાતની લિસ્ટમાં શું સામેલ છે ? તે જણાવતા કહ્યું કે, પંજાબમાં કરિયાણું, અને દારૂ સહિતની વસ્તુઓને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે'.

સરકારને શું લાગે છે કે આલ્કોહોલિક પીણાને એક આવશ્યક વસ્તુ તરીકે સૂચિબદ્ઘ કરી શકાય તેવું પૂછવામાં આવતા, વિજયને કહ્યું, 'રાજયમાં પ્રવર્તતી વિચિત્ર પરિસ્થિતિ આવા પગલાની માંગ કરે છે'.

પંજાબ સરકારના પ્રવકતાએ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ૩૧ માર્ચ સુધી લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, સીએમ અમરિંદરસિંહે ટ્વીટમાં એવો કોઈ ઉલ્લેખ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. શનિવારે રાજય સરકારે જારી કરેલા જાહેરનામામાં કરિયાણું, ફ્રૂટ, શાકભાજી, પીવાનું પાણી અને ઘાસચારાની સાથે દારૂને પણ જીવન જરુરિયાતની લિસ્ટમાં સામેલ કર્યાનો ઉલ્લેખ છે.

(4:19 pm IST)