Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

પ્રથમ ૬૭ દિ'માં ૧ લાખ કેસઃ પછી ૧૧ દિ' માં ૧ લાખ કેસઃ ત્યારબાદ ૪ દિ' માં ત્રીજા ૧ લાખ કેસઃ અને માત્ર ર દિ' માં આજે ૭પ હજાર કેસો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે કોરોના સંક્રમણો ભારે ગતિ પકડી છે

જીનીવા તા. ર૪ : દુનિયાના લગભગ દરેક દેશમાં કોરોના વાયરસ સંક્રમણ પહોંચી ગયું છે અને ગતી પકડી રહ્યું છે. વિશ્વઆરોગ્ય સંસ્થાએ ગઇકાલે જાહેર કર્યા અનુસાર વૈશ્વિક રીતે કોરોના  વાયરસના કેસ સાડાત્રણ લાખથી પણ વધી ગયા છે અને ૧પ હજારથી વધુ મોત થયા છે.

'હુ'ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોનાનો પહેલો કેસ જાહેર થયા  પછી ૬૭ દિવસે કોરોનાના ૧ લાખ દર્દીઓ થયા હતા. ત્યાર પછી બીજા એક લાખ દર્દીએ પહોંચવામાં ૧૧ દિવસ અને ત્રીજા એક લાખ દર્દી ૪ દિવસમાં થયા છે.ે

જયારે છેલ્લા ર જ દિવસમાં નવા ૭પ હજાર કોરોના પોઝીટીવ કેસો વિશ્વના ૧૯૦ દેશોમાં નોંધાયા છે. સારી બાજુએ છે કે એકાદ લાખ દર્દીઓ સાજા પણ થયા છે.

ટેડ્રોસે કહ્યું કે તે જી-ર૦ દેશોની સરકાર અને સેન્ટ્રલ બેન્કના નેતાઓને, ડોકટરો અને નર્સો માટેના સુરક્ષા ઉપકરણોનું ઉત્પાદન વધારવા અને જીવન રક્ષકસાધનો પરના પ્રતિબંધો ઉઠાવી લેવા કહેશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સુરક્ષા સાધનોના સપ્લાયરોને પહેલા જ સુચના આપી દીધી છે કે તેઓ જે દેશો સૌથી વધુ અસરગ્રસ્ત છે ત્યાં ઝડપથી આવા સાધનો સપ્લાય કરે.

તેમણે કહ્યું કે વૈશ્વિક જીડીપીનો ૮૦ ટકા હિસ્સો ધરાવતા જી-ર૦ દેશોમાં એકતા જરૂરી છે. જો આપણે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમીકતા નહીં આપીએ તો ઘણા લોકોના મોત થશે કેમકે તેમની સારવાર કરનારા જ બિમાર હશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ અનુસાર વિશ્વભરમાં ર૬ મીલીયન આરોગ્ય કાર્યકરો કોરોના પેશન્ટો સાથે કામ કરી રહ્યા છે.

(12:47 pm IST)