Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના સંકટથી ઘરેલુ વેપારમાં રોજના ૬૦૦૦ કરોડની ઘટ

નવી દિલ્હી તા. ૨૪: દેશમાં કોરોના વાયરસ મહામારી ઝડપભેર ફેલાવાથી કેટલાય રાજ્યોમાં લોકડાઉન થવાના કારણે  ઘરેલુ વેપારમાં મોટો ઘટાડો થયો છે. કોરોનાની બીકે બજારો સૂમસામ થઇ ગઇ છે, જેનાથી ઘરેલુ વેપારને રોજનો ૬૦૦૦ કરોડ રૂપિયાનો ધૂંબો લાગી રહ્યો છે.

વેપારીઓના મુખ્ય સંગઠન કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે પત્રકારોને જણાવ્યુ કે આર્થિક મંદી વચ્ચે કોરોના સંકટે  ઘરેલુ કારોબારની કેડ ભાંગી નાખી છે. કોરોના મહામારીને રોકવા માટે અત્યાર સુધીમાં લગભગ ૮૦ જીલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે.  આના કારણે બજારમાં માંગ જડપભેર ઘટી છે. જાન્યુઆરી સુધી દેશભરમાં રોજનો ૧૫ હજાર કરોડ રૂપિયાનો ઘરેલુ વેપાર થતો હતો. જે ઘટીને લગભગ ૯ હજાર કરોડ રૂપિયાનો થઇ ગયો છે. આગામી દિવસોમાં  તે હજુ  પણ ઘટવાની આશંકા છે.

કોરોના સંકટ વધવાની સાથે શાકભાજી અને ફળોના ભાવોમાં  મોટો ઉછાળો આવવાની આશંકાઓ વધી ગઇ છે. આઝાદપુર મંડીના વેપારી અને એશિયન મર્ચંટ  એશોશિએશનના પ્રમુખ રાજેન્દ્ર શર્માએ જણાવ્યુ કે સરકાર તરફથી  બચાવ માટે મંડીમાં કોઇ વ્યવસ્થા કરવામાં આવી. આના કારણે  આદુ, સંતરા, લસણ, દાડમ, સહિત ૧૫થી વધારે એસોસિએશનએ પોતાનો ધંધો બંધ કરી દીધો છે. તેની અસર હવે બજારમાં દેખાવા લાગી છે. ટુંક સમયમાં  જ આખી મંડી બંધ થઇ શકે છે.

(12:01 pm IST)