Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના સામે લડવા સૌથી સફળ ''હથોડા'' સિધ્ધાંત

દક્ષિણ કોરિયાએ અપનાવ્યો અને મળી સફળતા

નવી દિલ્હી તા. ર૪: એક અમેરિકન અભ્યાસકર્તાએ કોરોના વાયરસ સામે લડવા માટે હેમર અને ડાન્સ થીયરી (હથોડા અને નૃત્ય સિંધ્ધાંત) સૂચવ્યો છે, તેમનું કહેવું છે કે જયાં સુ઼ધી કોરોના વાયરસની રસી બનીને તૈયાર ન થઇ જાય ત્યાં સુધી આ રણનીતિનો ઉપયોગ કરીને ચેપના પ્રસારને અમુક હદ સુધી રોકી શકાય છે.

સીલીકોન વેલીના અભ્યાસકર્તા અને ઉદ્યોગપતિ થોમસ પીયુનું કહેવું છે કે હેમર-ડાન્સ રણનીતિથી જ દક્ષિણ કોરીયાને સ્થિતિને સંભાળવામાં સફળતા મળી છે. આ રણનીતિમાં પહેલા હેમર અપનાવવામાં આવે છે, જેમાં કોઇપણ પ્રશાસન એવું લક્ષ્ય લઇને કામ કરે છે કે તે વાયરસના નવા વાહક બનાવવાના દરને શૂન્ય કરી દેવામાં આવે. દાખલા તરીકે ચીને હેમર રણનીતિ અપનાવતા વુહાન શહેરને લોકડાઉન કરી દીધું હતું. જેનાથી રીપ્રોડકશન દર ૩.૯ પરથી ૦.૩ર પહોંચી ગયો. રીપ્રોડકશન દરનો અર્થ છે કે એ વ્યકિત કેટલા લોકોને સંક્રમિત કરે છે.

આ થીયરી હેઠળ વધુને વધુ લોકોની તપાસ કરીને સંક્રમિતોને શોધવા અને ઇલાજ કરવો જરૂરી છે. આ થીયરીને અત્યાર સુધી કોરોના સામેના જંગમાં સૌથી સફળ ગણવામાં આવે છે. દક્ષિણ કોરિયાએ આના પર કામ કર્યું, જયારે ઇટલી આમ કરવામાં પાછળ રહી ગયું.

હેમર થીયરી

 વાયરસ વૃધ્ધિ દર પર કાબૂ મેળવવાનું લક્ષ્ય.

 સંક્રમણના પુષ્ટી થયેલા કેસો ઝડપભેર નક્કી કરવા.

 આરોગ્ય કર્મચારીઓની તૈનાતી

 ઇલાજની પ્રક્રિયા સુધારવી

 આરોગ્ય તંત્ર પર વધારાનું દબાણ ઓછું કરવું.

 આરોગ્ય સેવાઓની ક્ષમતા વધારવી.

ડાન્સ થીયરી

 વાયરસના ફેલાવાનો દર એકથી નીચે રાખવો.

 શંકાસ્પદ દર્દીઓને કવોરન્ટાઇન અને આઇસોલેટ કરવા

 લોકોને સ્વચ્છતા અને સામાજીક અંતર બાબતે સુશિક્ષિત કરવા.

 મોટી સંખ્યામાં એકત્રિત થવા પર પ્રતિબંધો મુકવા.

(12:00 pm IST)