Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

શાહીનબાગના ધરણાનો 'ધી એન્ડ'

પોલીસ ત્રાટકી : તંબુ ઉખાડયા : રસ્તા ખુલ્લો કરાવ્યો : દેખાવકારોને ખદેડાયાઃ દિલ્હીમાં ૧૪૪મી છતાં ધરણા પર હતી મહિલાઓ : કેટલાકની અટકાયત : ૧૦૦ દિવસથી ચાલતા'તા ધરણા

નવી દિલ્હી, તા. ર૪ : નાગરિકતા કાનૂન (સીએએ) વિરૂદ્ધ ૧પ ડિસેમ્બરથી શાહીનબાગમાં ધરણા પર બેઠેલા દેખાવકારોને પોલીસે હટાવ્યા છે. દિલ્હી અને નોયડાને જોડતા આ માર્ગ પરના તંબુને પણ હટાવાયા છે. કોરોના વાયરસના ખતરા છતાં લોકો ધરણા પર બેઠા હતા. કોરોનાને કારણે દિલ્હી સહિત લગભગ સમગ્ર ભારત લોકડાઉન છે છતાં આજે ત્યાં મહિલાઓ એકઠી થઇ હતી-પોલીસે કહ્યું છે કે, દેખાવકારોના ટેન્ટને ઉખાડી દેવામાં આવ્યો છે. સાથોસાથ કેટલાકની અટકાયત પણ કરાઇ છે. શાહીનબાગમાં મહિલાઓ પાછલા ૧૦૦ દિવસથી ધરણા પર બેઠી હતી.

જોઇન્ટ સીપી દેવેરા શ્રીવાસ્તવના કહેવા મુજબ કોરોનાને કારણે લોકોને અપીલ થતી હતી. આજે સવારે ૭ વાગ્યે અમે કાર્યવાહી કરી-શરૂઆતમાં તોફાની તત્વો માહોલ ખરાબ કરવા માંગતા હતા. એ લોકો નહિ માનતા તેઓની અટકાયત થઇ છે. વિરોધ કરનારા સામે કાનૂની કાર્યવાહી થશે. અમારો હેતુ વિસ્તારમાં શાંતિ બહાલ કરવાનો છે. કોરોનાને લઇને કડક આદેશ છે કે ભીડ એકઠી ન થાય.

હાલ પોલીસે તંબુ હટાવી નાખ્યો છે. કલમ ૧૪૪ છતાં મહિલાઓ ધરણા પર બેઠી હતી. અમે તેમને કહ્યું કે ૧૪૪મી કલમ છે ધરણા બંધ કરો પણ તેઓ ન માન્યતા તેથી અમારે બળ વાપરવું પડયું તેમ પોલીસે કહ્યું છે.

શાહીનબાગમાં છેલ્લા ૩ મહિનાથી મહિલાઓ આંદોલન કરી રહી હતી. હવે સ્થળ ખાલી કરાવાયું છે.

(11:04 am IST)