Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

એક મહિલાએ ૫૦૦૦ લોકોને ચેપ લગાડયો

લાપરવાહીને કારણે દ.કોરીયામાં ફેલાયો કોરોના

નવી દિલ્હી, તા.૨૪: કોરોના વાયરસના પગલે દુનિયામાં હાહાકાર મચેલો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના સંક્રમણને આંતરરાષ્ટ્રીય મહામારી જાહેર કરી છે. આ બીમારીના કારણે અત્યાર સુધી હજારો લોકોના મોત થયા છે. આ ખતરનાક બીમારીને ફેલાતી અટકાવવા માટે લોકો પણ આગળ આવી રહ્યાં છે. આ બાજુ કેટલાક લોકોની બેદરકારીના કારણે આ બીમારી વધી રહી છે. આવો જ એક કેસ સામે આવ્યો દક્ષિણ કોરિયામાં. અહીં એક વ્યકિતના કારણે હજારો લોકો કોરોના વાયરસના ભરડામાં આવી ગયાં.

કોરોના પર થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, ચીન નહીં પણ આ દેશમાં જોવા મળ્યો હતો વાયરસ!

વાત જાણે એણ છે કે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસની તપાસમાં એવું જાણવા મળ્યું કે એક મહિલાની બેદરકારીના કારણે તેમના જ દેશમાં હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાં.

એક ચેપગ્રસ્ત મહિલા સવારે પ્રાર્થના માટે દક્ષિણ કોરિયાના શેન્ચોન્જી ચર્ચ ગઈ.  ત્યાં લગભગ ૧૨૦૦ લોકો કોરોના વાયરસના ભરડામાં આવ્યાં. ત્યારબાદ આ મહિલા ૬ ફેબ્રુઆરીના રોજ નાના અકસ્માત બાદ હોસ્પિટલ પહોંચી. અહીં આ મહિલાને તાવ હતો પણ નજરઅંદાજ કરાયો ત્યારબાદ આ હોસ્પિટલમાં ૧૧૯ લોકો વાયરસની ચપેટમાં આવ્યાં.

આ મામલો અહીંથી અટકયો નહીં. ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે પર આ મહિલા કવીન વેલ હોટલમાં ભોજન માટે ગઈ. અહીં પણ અનેક લોકો સંક્રમણની ચપેટમાં આવ્યાં. આ રીતે આ વાયરસ સમગ્ર દક્ષિણ કોરિયામાં ફેલાયો અને કોઈને ખબર સુદ્ઘા ન પડી.

દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલમાં જે મહિલાને ચેપ લાગ્યો હતો તેની સમયસર કોરોના સંક્રમિત વ્યકિત તરીકે ઓળખ થઈ શકી નહી. જેના કારણે તે ખુલ્લેઆમ લોકોની વચ્ચે ફરતી રહી. આ દરમિયાન મહિલાના કારણે ૫૦૦૦ જેટલા લોકોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો  હોવાનું કહેવાય છે. એટલું જ નહીં આ મહિલના સંપર્કમાં આવેલા અને કોરોનાનો ચેપ લાગેલા અનેક લોકોના મોત પણ થઈ ચૂકયા છે.

સંક્રમિત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ તો તેનો બેડ નંબર ૩૧ હતો, ત્યારબાદ દર્દી નંબર ૩૧ના કારણે આટલા લોકોમાં કોરોનાનો ચેપ ફેલાયો અને અનેક લોકોના જીવ ગયા. સિયોલ મેટ્રોલપોલિટન સરકારે તે મહિલા વિરુદ્ઘ Culpable homicideની ફરિયાદ દાખલ કરી છે. આથી લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ વધુમાં વધુ પોતાના ઘરમાં જ રહે. જેથી કરીને કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકી શકે.

(11:03 am IST)