Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ચીનમાં કોરોના વાયરસના ૯૦ ટકા દર્દીઓ સાજા થઈ ગયાઃ બધાને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે મોકલાયા

બેઈજિંગ, તા.૨૪: કોરોના વાયરસથી વિશ્વભરના દેશમાં અત્યાર સુધીમાં ૧૪,૭૦૦થી વધારે લોકોના મોત નિપજયાં છે અને ત્રણ લાખ ૩૯ હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને ફફડાટ છે. ત્યારે ચીન તરફથી આ વાયરસના સંક્રમણને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ચીને કહ્યું કે, કોરોના પોઝિટિવ કેસમાંથી ૯૦ ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના વાયરસની શરૂઆત જ ચીનથી થઈ હતી અને ત્યાં ૮૧ હજારથી વધારે કેસ નોંધાયા હતા. જેમાં ૩,૨૨૭ લોકોના મોત નિપજયાં છે. ચીનના નેશનલ હેલ્થ કમીશને કહ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓમાંથી ૯૦ ટકા દર્દીઓ રિકવર થઈ ગયા છે અને તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ નિવેદનમાં જણાવ્યા મુજબ, હાલ ચીનમાં માત્ર ૫,૧૨૦ દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૮૧,૦૯૩ દર્દીઓમાંથી ૭૨,૭૦૩ દર્દીઓ સાજા થઈ ગયા છે. જેમને રજા આપી દેવામાં આવી છે.

હુબઈ કે જયાંથી વાયરસની શરૂઆત થઈ હતી ત્યાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ચીનમાં ૩૯ નવા કેસમાંથી તમામ દર્દીઓને વિદેશમાંથી લવાય છે. એટલે કે ચીનમાં એક પણ કેસ નોંધાયો નથી. હુબેઈ અને તેની રાજધાની વુહાનમાં આ વાયરસથી સૌથી જાનહાની થઈ છે. અહીં ૬૭,૮૦૦ કેસ નોંધાયા છે અને ૩,૧૫૩ લોકો મોતને ભેટયા છે.

(11:01 am IST)