Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

લોકો ઘરમા રહે તો કોરોનાના ૬૨ ટકા કેસ ઓછા થાય

ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચના અભ્યાસમાં ખુલાસોઃ જો કડકાઈથી ઘરોમાં રહેવાની ફોર્મ્યુલા સફળ રહે તો કોરોનાને ઘણી હદ સુધી હરાવી શકાય છેઃ સિંગાપોર, હોંગકોંગ અને દક્ષિણ કોરીયાએ હોમ સ્ટેથી કોરોનાને ભગાડી દીધો છેઃ ભારતમા પણ હવે લોકડાઉનનો અમલ શરૂ થયો છે

નવી દિલ્હી, તા. ૨૪ :. સમગ્ર વિશ્વની સાથે કોરોના વાયરસની મહામારી પોતાનુ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. દેશમાં રોજેરોજ ઝડપથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથોસાથ કોરોના પોઝીટીવ લોકોના મોતનો ગ્રાફ પણ રોજ વધી રહ્યો છે. કોરોના સામેની આ લડાઈ વચ્ચે દેશના ૫૪૮ જિલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. લોકોને ઘરોમાં રહેવા અપીલ થઈ છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચના એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો કડકાઈથી ઘરોમાં રહેવાની ફોર્મ્યુલા સફળ થાય તો કોરોનાને ઘણી હદ સુધી હરાવી શકાય તેમ છે.

ભારતમાં કોરોના વાયરસ હજુ સ્ટેજ ૨ ઉપર છે અને ત્રીજા સ્ટેજ પર આગળ વધી રહેલ છે. આ સ્ટેજમાં કોરોના કોમ્યુનીટી સ્પ્રેડ થાય છે એટલે કે કોરોના વાયરસનું સામુદાયીક સંક્રમણ. જો આવુ થશે તો સ્થિતિ બેકાબુ બની જશે.

આ ખતરાને જાણી કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો કડક બની છે. લોકડાઉન અને કર્ફયુનો રસ્તો અપનાવાયો છે કે જેથી લોકો એકબીજાના ટચમાં આવી ન શકે. રીસર્ચ અનુસાર જો કડકાઈથી કોરોન્ટાઈન, હોમ સ્ટે જેવી ફોર્મ્યુલા અપનાવી લેવામાં આવે તો આ વાયરસના અનુમાનીત શંકાસ્પદ કેસોમાં ૬૨ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. સાથોસાથ પીક કેસોની સંખ્યા ૮૯ ટકા સુધી ઘટી શકે છે. એવામાં જરૂરી છે કે સરકારે લોકડાઉનનો જે રસ્તો અપનાવ્યો છે તેનો અમલ કરવામાં આવે. વિશ્વના બીજા દિવસોથી જે સમાચારો મળ્યા છે તેમા એ બાબત સામે આવી છે કે જે દેશોએ લોકડાઉન અપનાવ્યુ છે ત્યાં કોરોના ભાગ્યો છે.

સિંગાપોર, હોંગકોંગ અને દક્ષિણ કોરીયા આનુ મોટુ ઉદાહરણ છે. ડબલ્યુએચઓએ પણ લોકડાઉનની તરફેણ કરી છે. હવે ભારત પણ આ રસ્તે છે. એવામાં લોકોના સહયોગથી કોરોનાને હરાવી શકાય છે.(૨-૨)

(10:29 am IST)