Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પાકિસ્‍તાનમાં બે હિન્‍દુ યુવતીઓનું અપહરણ : પાકમાં ભારતના દૂત પાસેથી વિગતો મંગાઇ

નવી દિલ્‍હી : વિદેશમંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીની પૂર્વ સંધ્યાએ બે હિન્દુ છોકરીઓના થયેલા અપહરણ બાદ આ અંગે રિપોર્ટ માગ્યો છે. આ બે છોકરીનું અપહરણ કરીને તેને જબરદસ્તી ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવાની ખબરો ચાલી હતી, જેને લઇને પાકિસ્તાનમાં ભારતના દૂત પાસે વિદેશમંત્રીએ જાણકારી માગી છે. સ્વરાજે આ સંબંધમાં મીડિયા રિપોર્ટને ધ્યાનમાં રાખીને ટ્વીટ કરી હતી કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય એમ્બેસીને આ મામલે રિપોર્ટ મોકલવા કહ્યો છે.

આ ઘટના પછી હિન્દુ સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને તેમને લઘુમતીઓને આપેલા આશ્વાસનને યાદ અપાવ્યું હતું. કરાચીના પાકિસ્તાન હિન્દુ વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ સંજેશ ધંજાએ જણાવ્યું હતું કે, બે બહેનો- 13 વર્ષની રવીના અને 15 વર્ષની રીનાનું કથિતરીતે અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના લગ્ન કરીને જબરદસ્તી ઇસ્લામ કબુલ કરાવવામાં આવ્યું હતું. લઘુમતી હિન્દુઓ જ્યારે રસ્તા પર ઉતર્યા, ત્યારબાદ પોલીસે FIR નોંધી હતી.

હાલમાં જ ઇમરાન ખાને ટ્વિટ કર્યું હતું કે, જેવું ભારતમાં થઇ રહ્યું છે તેનાથી ઉલટું જિન્નાહના પાકિસ્તાનમાં આપણે સુનિશ્ચિત કરીએ કે આપણાં લઘુમતીઓને સમાન નાગરિક માનવામાં આવે. આ ટ્વિટથી પાકિસ્તાનમાં વિવાદ પેદા થયો હતો.

ઉલ્લખનીય છે કે પાકિસ્તાનમાં જબરદસ્તી ધર્માંતરણની આ કોઇ પહેલી ઘટના નથી. આ પહેલા પણ સિંધ પ્રાંતમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓને ઉત્પીડિત કરવાની ઘટનાઓ સામે આવી હતી. 2018માં ચૂંટણી પ્રચાર વખતે પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનમાં હિન્દુઓની રક્ષા માટે વાયદો કર્યો હતો.

(3:58 pm IST)