Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

એર સ્‍ટ્રાઇકથી ભયભીત પાકિસ્‍તાને :LOC પર ચીની મીસાઇલ સિસ્‍ટમ તહેનાત કરી

નવી દિલ્હી: ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈકની કાર્યવાહી બાદ પાકિસ્તાન ખુબ જ ડરેલુ છે. પાકિસ્તાનને શક છે કે ભારત તેના મહત્વના સ્થાનો પર આવી જ કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાને આ ડરથી પોતાના અનેક શહેરો અને મિલિટ્રી ઠેકાણાઓની હવાઈ સુરક્ષા માટે જમીનથી હવામાં માર કરનારી (SAM) મિસાઈલ્સને તહેનાત કરી છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ પાકિસ્તાને હાલ ચીન પાસેથી મળેલી LY-80 મધ્યમ રેન્જની જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ્સ તહેનાત કરી છે.

ચીન પાસેથી મળેલી LY-80 મિસાઈલ કે જેને HQ-16 પણ કહે છે, તેને પાકિસ્તાની સેનાએ વર્ષ 2017માં પોતાની સેનામાં સામેલ કરી હતી. LY-80 મિસાફઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. તે 40 કિમી સુધીના ટારગેટને પણ સરળતાથી આકાશમાં જ તોડી પાડી શકે છે.

કેન્દ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ જ્યારથી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી છે ત્યારબાદથી પાકિસ્તાન સરહદ નજીકના અનેક શહેરો અને સૈન્ય પ્રતિષ્ઠાનોની સુરક્ષા મજબુત કરવામાં લાગ્યું છે. પાકિસ્તાની વાયુસેનાને ડર છે કે ભારત ગમે ત્યારે આવી કાર્યવાહી ફરીથી કરી શકે છે. આ જ કારણે પાકિસ્તાન LY-80 મિસાઈલની તહેનાતી કરી રહ્યું છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાની સેના પાસે IBIS-150 રડાર અને LY-80 મિસાઈલ્સની પાંચ સિસ્ટમ છે જેને જોખમ ભાંપતા પાકિસ્તાની સેના એક જગ્યાએથી બીજી જગ્યાએ તહેનાત કરી રહી છે. LY-80 મિસાઈલ સિસ્ટમ કે જે IBIS-150 રડાર સાથે જોડાયેલી છે તે કોઈ પણ ટારગેટની 3ડી ઈમેજ લે છે જે 150 કિમી દૂરથી આવતા કોઈ પણ ટારગેટની ઓળખી લે છે. એક LY-80 મિસાઈલ સિસ્ટમની સાથે 6 વર્ટીકલ મિસાઈલ્સ લોન્ચર્સ કનેક્ટેડ હોય છે. જે રડાર તરફથી ટારગેટ લોક કરાયા બાદ નક્કી કરેલા લક્ષ્યાંક પર હુમલો કરે છે.

ચીન પાકિસ્તાનને સતત હથિયારો સપ્લાય કરી રહ્યું છે. બાલાકોટના આતંકી કેમ્પોમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી પરેશાન પાકિસ્તાન ચીન પાસેથી ખુબ જ આધુનિક રેમ્બો સિરીઝના CH4 અને CH5 કોમ્બેટ ડ્રોન્સ ખરીદી રહ્યું છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીરમાં પણ ડ્રોન્સની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને તે લાઈન ઓફ કંટ્રોલ સહિત આંતરરાષ્ટ્રીય સરહદ પર નિગરાણી વધારી શકે. રિપોર્ટ મુજબ બાલાકોટમાં જૈશના કેમ્પ પર એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની સેનાને ચીન રેમ્બો સિરીઝના અત્યાધુનિક ડ્રોન્સ સપ્લાય કરશે.

રિપોર્ટ મુજબ કોમ્બેટ ડ્રોન્સ રેનબો CH4 લગભગ 5 હજાર કિમી દૂર સુધીના ટારગેટ પર નજર રાખી શકે છે. લગભગ 40 કલાક સુધી તે આકાશમાં રહીને પોતાની સાથે 400 કિગ્રા સુધીના વિસ્ફોટકો સાથે કોઈ પણ ટારગેટને નષ્ટ કરી શકે છે. જ્યારે રેમ્બો CH5 પોતાની સાથે એક હજાર કિગ્રાના પેલોડ લઈ જઈ શકે છે. 60 કલાક સુધી આકાશમાં રહી શકે છે. આ ડ્રોન્સ  લગભગ 17000 ફૂટની ઊંચાઈ પર ઉડી શકે છે.

(12:32 pm IST)