Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મમતા શાસનમાં અત્યાચાર વધ્યો છે : રાહુલ ગાંધીના આકરા પ્રહારો

બંગાળની પ્રગતિ માટે કોંગ્રેસની સરકાર જરૂરી બની છે : રાહુલ : મમતાના ગઢમાં રાહુલે ચૂંટણી સભા કરી : નોટબંધીના કારણે રોજગાર અને નાના દુકાનદારો ખતમ થઇ ગયા : ઓછી આવકવાળા લોકોને રકમ અપાશે

માલ્દા, તા. ૨૩ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બિહાર બાદ પશ્ચિમ બંગાળના માલ્દામાં પણ આક્રમક ચૂંટણી પ્રચાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા. સભા દરમિયાન જનતાની વચ્ચે રાહુલે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. સાથે સાથે રાહુલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પણ ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું હતું કે, ચોકીદારે વચન આપ્યું હતું કે, રોજગાર મળશે, ખેડૂતોને લાભ થશે પરંતુ કંઇ પણ થયું નથી. એક બાજુ નરેન્દ્ર મોદી ખોટા નિવેદન કરે છે. બીજી તરફ મમતા બેનર્જી ખોટા વચનો આપે છે. પશ્ચિમ બંગાળમાં માત્ર એક વ્યક્તિ સમગ્ર પ્રદેશને ચલાવે છે. તે કોઇની વાત સાંભળતા નથી. એક વ્યક્તિને સમગ્ર પ્રદેશ ચલાવવાની તક આપવી જોઇએ નહીં. સભામાં ઉપસ્થિત લોકોને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સીપીએમની સરકારે રાજ્યના લોકો જોઇ ચુક્યા છે. ત્યારબાદ મમતા બેનર્જીની સરકાર આવી હતી. આ સરકારમાં પણ અત્યાચાર થઇ રહ્યા છે. કોંગ્રેસના લોકોને માર મારવામાં આવે છે. બંગાળની પ્રગતિ માટે કોંગ્રેસની સરકાર જરૂરી દેખાઈ રહી છે. કોંગ્રેસ પ્રમુખે ફરી એકવાર દોહરાવ્યું હતું કે, મોદીએ સામાન્ય લોકોના પૈસા લઇને અમીરોને આપી દીધા છે. પાંચ વર્ષમાં ચોકીદાર ચોર બની ગયા છે. ખેડૂતોના ઘરમાં ચોકીદાર હોતા નથી. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, અહીં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મોદીએ ૧૫ લોકોના ૩૦૦૦ કરોડ રૂપિયા માફ કર્યા છે. મમતા બેનર્જી, અરુણ જેટલી અને મોદી લોકોના દેવા માફ કરતા નથી. દિલ્હીમાં સરકાર કોંગ્રેસની બનશે ત્યારબાદ લોકોના દેવા ઝડપથી માફ થશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધી કરીને મોદીએ રોજગારને ખતમ કરવાનું કામ કર્યું હતું. નાના દુકાનદારો ખતમ થઇ ગયા હતા. અમારી સરકાર આવ્યા બાદ ગબ્બરસિંહ ટેક્સને ખતમ કરીને સામાન્ય ટેક્સ લાગૂ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી સરકારી હોદ્દાઓને તાત્કાલિકરીતે ભરવાનું કામ કરશે. ગરીબી સામે લડત ચલાવશે. સામાન્ય લોકોને પ્રોસેસ કરવાની ફેક્ટ્રી ખેતરોની નજીક લગાવવામાં આવશે. લોકો સાથે ભાવનાત્મક મુદ્દા સ્થાપિત કરવાના પ્રયાસ કરતા રાહુલે કહ્યું હતું કે, દેશમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે ત્યારે લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે. આ કોઇ રાજકીય સંબંધો નથી. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓછી આવક વાળા લોકોના ખાતામાં સીધા પૈસા ઉમેરવામાં આવશે.

(12:00 am IST)