Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રિલાયન્સ જિયો, સાવન એક બિલિયન અમેરીકન ડોલરનું ડિજીટલ મ્યુઝિક પ્લેટફોર્મ બનાવશે

રિલાયન્સ જિયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ કરાર પર કર્યા હસ્તાક્ષર

(મુંકુદ બદિયાણી દ્વારા) જામનગરઃ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર આકાશ અંબાણીની આગેવાની હેઠળ થયેલા સોદામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિજીટલ મ્યુઝીક સર્વિસ સાવન સાથે જિયો મ્યુઝીકના જોડાણથી કુલ 1 બિલિયન અમેરીકન ડોલરના મૂલ્યના વૈશ્વિક મીડિયા પ્લેટફોર્મનું સર્જન કરશે.

રિલાયન્સ જિયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સાવન સાથેની ભાગીદારીથી અમે આનંદિત છીએ અને અમારું માનવું છે કે તેમની ખૂબ જ અનુભવી મેનેજમેન્ટ ટીમ જિયો-સાવનના વપરાશકારોમાં વૃધ્ધિ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે અને તે રીતે ભારતના સ્ટ્રીમિંગ માર્કેટમાં અમારી અગ્રણી સ્થિતિને વધારે મજબૂત બનાવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સાવન સાથે તેમની ડિજીટલ મ્યુઝીક સર્વિસ જિયોમ્યુઝીકના જોડાણ માટે કરાર કર્યા હતા.

સંયુક્ત કંપનીનું મૂલ્ય 1 બિલિયન અમેરીકન ડોલર છે, જેમાં જિયોમ્યુઝીકનું મૂલ્ય 670 મિલિયન અમેરીકન ડોલર આંકવામાં આવ્યું છે, એમ નિવેદનમાં જણાવાયું હતું.

રિલાયન્સ 100 મિલિયન અમેરીકન ડોલરનું રોકાણ કરશે, જેમાંથી 20 મિલિયન અમેરીકન ડોલરના પ્રમાણમાં ભારતીય રૂપિયાનું રોકાણ અપફ્રંટ કરવામાં આવશે, જેનો ઉપયોગ આ પ્લેટફોર્મને વિશ્વમાં સૌથી મોટી સ્ટ્રીમીંગ સર્વિસ બનાવવા માટે તેની વૃધ્ધિ અને વિસ્તાર માટે કવરામાં આવશે.

સંકલિત વ્યવસાયને વૈશ્વિક પહોંચ, સરહદ-પારના મૂળ વિષય, સ્વતંત્ર આર્ટીસ્ટ માર્કેટપ્લેસ, કોન્સોલિડેટેડ ડેટા અને વિશ્વના સૌથી મોટા મોબાઇલ મિડિયમ સાથે ભવિષ્યના મીડિયા પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવશે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આ સોદાના ભાગરૂપે, વધુમાં, રિલાયન્સ સાવનના વર્તમાન શેરધારકો પાસેથી 104 મિલિયન અમેરીકન ડોલરના રોકાણ સાથે આંશિક હિસ્સો ખરીદશે. સાવનના શેરધારકોમાં ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, લિબર્ટી મીડિયા અને બેર્ટેલ્સમેન સહિતના શેરધારકોનો સમાવેશ થાય છે.

સાવનના ત્રણ સહ-સ્થાપકો રીશી મલહોત્રા, પરમદીપ સિંઘ અને વિનોદ ભાટ તેમની લિડરશીપ ભૂમિકા ચાલુ રાખશે અને સંયુક્ત કંપનીની વૃધ્ધિને વેગ આપશે.

લગભગ 10 વર્ષ પહેલાં અમે સમગ્ર વિશ્વમાં દક્ષિણ એશિયાના સંગીત માટેનું જ મ્યુઝીક પ્લેટફોર્મ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. રિલાયન્સ સાથેનું અમારું જોડાણ અમને વિશ્વનું એક સૌથી મોટું, ઝપડથી વિકાસ પામતું અને સૌથી શક્તિશાળી મીડિયા પ્લેટફોર્મ બનાવવામાં મદદ કરશે, એમ સાવનના સહ-સ્થાપક અને સી.ઇ.ઓ. રીશી મલહોત્રાએ જણાવ્યું હતું.

ભારત અને વિશ્વમાં લગભગ 1 બિલિયન કરતાં વધારે વપરાશકર્તાઓ સાથેના મસમોટા માર્કેટ સાથે સંયુક્ત કંપની વૃધ્ધિને વેગવાન બનાવવાનું આયોજન કરે છે જે ભારતમાં સમગ્ર ઇકોસિસ્ટમ જેમ કે વપરાશકર્તા, મ્યુઝીક લેબલ, કલાકારો અને જાહેરાતકારોને મદદ કરશે, એમ સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

સંયુક્ત પ્લેટફોર્મ સાવન આર્ટીસ્ટ ઓરિજનલ (એ.ઓ.)નું પણ સર્જન કરશે, જે ઝેક નાઇટ અને જસ્મિન વાલિયાની બોમ ડેગી સહિતની ભારત અને દક્ષિણ એશિયાની ટોચની રેકોર્ડ પણ આપશે.

(7:15 pm IST)