Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

'ખોટી ખબર'ની બોલબાલા...ચુંટણી જંગમાં ઉપયોગની આશંકા

દુષણને ડામવા ખુદ સોશ્યલ મિડીયા કંપનીઓએ જ મેદાનમાં ઉતરવું જરૂરીઃ ઓનલાઇન તપાસ કે કોઇ પણ બાબતે ખુદ ચકાસણી થાય તો જ આવે અંકુશમાં: ભારતમાં ફેક ન્યુઝ ફેલાવવા પાછળ ફેસબુક, વ્હોટ્સએપ, યુ-ટયુબ, ગુગલ અને ટવીટર જેવા માધ્યમો જવાબદાર... 'સિધ્ધારમૈયા ડાન્સ'માં હકિકત સામે આવ્યા સુધીમાં તો અસંખ્યોએ નિહાળી લીધો વિડીયો

નવી દિલ્હી,તા.૨૪: વર્તમાન સમયમાં ટેકનોલોજીનો બેસુમાર ઉપયોગ થઇ રહયો હોવાથી ગમે એવી બાબતની જાણકારી સોશ્યલ મિડીયા યુઝરને પળવારમાં જ મળી જાય છે, પણ સિકકાની બીજી બાજુની જેમ ટેકનોલોજી જેટલી ઉપયોગી એ સામે એટલી જ નુકશાનકારક પણ છે...એવી જ એક બાબત સિધ્ધારમૈયાના ડાન્સ વિડીયોમાં સામે આવી છે.

આ અંગે જાણવા મળ્યાનુસાર ગયા વર્ષે માર્ચ મહિનામાં કર્ણાટકના કોઇ વ્યકિતએ ગુગલ ઉપર મુખ્યમંત્રી સિધ્ધારમૈયાના ડાન્સ દર્શાવતો વિડીયો વાઇરલ કરી દેતા જોત જોતામાં જ રાજયમાં સૌથી વધારે જોવાઇ ચુકયો છે...હકિકતમાં એ વિડીયો સિધ્ધારંયાનો નહિ, પણ એક ખેડુતનો હતો.પણ અફવા ફેલાઇ રહી છેકે, કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયા કન્નડ ગીત ઉપર નાચી રહયા છે.

જેવી કલીપ આગળ વધતી-વધતી ખેડુત સુધી પહોંચી કે, તુરંત જ ડાન્સ કરનાર મૈસુરના કિસાને સામે આવી હકિકત વર્ણવી પડી હતી કે વિડીયોમાં સિધ્ધારમૈયા નહિ, પરંતુ પોતે નાચી રહયા છે.કોઇ રાજકીય વ્યકિત દ્વારા સિધ્ધારમૈયાને નિશાન બનાવી બદનામ કરવાની પ્રવૃતિ થઇ રહી ેછે.તો, મહત્વની વાત એ છેકે, જયાં સુધીમાં સાચી વાત સામે આવી ત્યાં સુધીમાં તો વિડીયો અસંખ્ય લોકોએ જોઇને અફવાને આસમાને પહોંચાડી દીધી હતી.

દરમિયાન જાણકાર વર્તુળોનું કહેવું છે કે,હાલના સમયમાં કોઇ પણની ખોટી અફવા પ્રસરાવવા પાછળ સોશ્યલ મિડીયાનો થઇ રહેલો ભરપુર ઉપયોગ આવતા દિવસોમાં ખરેખર ખતરનારક સાબિત થવાની ભિતી સતાવી રહી છે.

તો, વળી સોશ્યલ મિડીયાના જાણકારો એવી  પણ આશંકા વ્યકત કરી રહયા છે કે, ફેસબુક, વ્હોટ્સએપ, ટવીટર, યુ-ટયુબ અને ગુગલ જેવા સોશ્યલ માધ્યમોના ઉપયોગ થકી ચુંટણી જંગમાં કોઇની છબી ખરાબ કરવા કાવતરૂ રચાય એ પહેલા જ સત્વરે ખુદ સોશ્યલ મિડીયા કંપનીઓએ જ આગળ આવી ઓનલાઇન જાણકારી ઉપર ચકાસણી કરવી જોઇએ અથવા તો આગની જેમ ખોટી ખબર પ્રસરી રહી હોવાની વાત મળ્યે તુરંત જ તપાસ કરી મામલો આગળ વધતો અટકાવવા મેદાનમાં આવવુ જરૂરી છે.

એવી જ રીતે કાર્નેલ એસસી જોનસન કોલેજ ઓફ બિઝનેસમાં ઓપરેશન-ટેકનોલોજી એન્ડ ઇર્ન્ફોમેશન મેનેજમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સૌમિત્ર દત્તાનું કહેવું છે કે, હાલના સંજોગોમાં અવાર-નવાર કોઇને કોઇ મામલે વિરોધીઓ દ્વારા આંખે ચડેલી વ્યકિતને બદનામ કરવાના બદઇરાદા સાથે કોઇ ફોટા કે વિડીયોને ખોટા રૂપ આપી ફરતા કરી દેવાતા હોય છે, આવી બાબતોમાં જયારે ખરી હકિકત સામે આવે ત્યાં સુધીમાં તો મોડુ થઇ જાય છે...તો સરકારે સોશ્યલ મિડીયા કંપનીઓ ઉપર અંકુશ લાવી જે કોઇ જાણકારી, ખબર કે વિડીયો હોય એની તટસ્થ તપાસ કરી સાચી હકિકત લાવ્યા બાદ જ ફરતું કરવાની મંજુરી આપવી જોઇએ.

જો કે, સોશ્યલ મિડીયા ઉપર અવાર-નવાર કોઇને બદનામ કરવાની મેલીમુરાદ સાથે પ્રસરાવાતી ખબરો ઉપર સંપૂર્ણપણે અંકુશ લાવવાના ભાગરૂપે ભારતમાં ડેટાને સુરક્ષિત રાખવા કાજે ફ્રેમવર્ક બનાવાઇ રહયું છે...માનવામાં આવી રહયું છે કે, ફ્રેમવર્કના માધ્યમથી નાગરિકોના ડેટાની સુરક્ષા અને દુરૂપયોગ થવા પાછળ જે તે કંપનીઓને જવાબદાર ગણાશે.આગામી મહિનાઓમાં આવો કાયદો બનવા જઇ રહયો છે.(૧.૧૭)

(3:49 pm IST)