Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રાજસ્થાનમાં ભાજપની હાર નિશ્ચિતઃ હાઇકમાન્ડ દ્વારા કસરતો શરૂઃ વસુંધરા રાજેની ગેરહાજરીમાં બેઠકોનો દોર

જયપુર તા. ૨૪ : ૮ મહિના પછી રાજસ્થાનમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિધાનસભામાં ભાજપની હાર ચોખ્ખી નજરે દેખાય છે.

પેટા ચૂંટણીઓનાં પરાજય પછી જમીનની વાસ્તવિકતા સમજી ગયેલ ભાજપનું નેતૃત્વ હવે માનતુ થઈ ગયું છે કે કોઈ ચમત્કાર જ ફરીથી ભાજપને સત્તામાં લાવી શકશે. સંભવિત હારને જોઈને ભાજપમાં અત્યારસુધી સત્તાની મલાઈ ખાઈ રહેલા નેતાઓના તેવર પણ બદલાઇ ગયા છે, જેમાં કેટલાક મંત્રીઓ પણ સામેલ છે.

પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં જ પ્રધાનોની બેઠક બોલાવી જેમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેને સામેલ કરવામાં આવ્યા ન હતા. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સતીશ જી પ્રદેશ પ્રભારીના નાતે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનો પાસેથી સરકારના કામકાજની અસલિયત જાણવાની કોશિશ પણ કરવામાં આવી.

બન્ને સંગઠન મંત્રીઓને ભય હતો કે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં પ્રધાનો ખૂલીને પોતાની વાત કરે અને સરકારના ભ્રષ્ટાચાર અને નોકરશાહીના વલણ અંગે સાફસાફ જણાવે, પરંતુ આ બેઠકમાં ત્રણ ચાર એવા પ્રધાનો હાજર હતા જે મુખ્યમંત્રીની નજીક ગણાય છે અને તેને લીધે આવા ઇરાદા પર પાણી ફરી વળ્યું હતું. બેઠકમાં જો કોઈ પ્રધાનો ઊલટી-સીધી વાત કરે તો તરત જ તેનો રિપોર્ટ વસુંધરા રાજે સુધી પહોંચી જાય તેવો ભય હતો. એટલે આ બેઠકમાં હાજર રહેલ મોટાભાગના પ્રધાનોએ રાજસ્થાનમાં ભાજપની જે હાર થઈ તેનો દોષ નોકરશાહી ઉપર રેડી દીધો હતો, એમાં પણ એવા ઓફિસરોના માટે કંઈ પણ કહેવાયું નહીં જે લોકો મુખ્યમંત્રી રાજેની ખૂબ નજીક ગણાવવામાં આવે છે.

જયારે ભારતીય જનતા પક્ષમાં પ્રદેશના નીચલાસ્તરના કાર્યકર્તાઓ પણ જાણે છે કે કયા કારણોસર રાજસ્થાનમાં ભાજપનો જનાધાર તૂટી ગયો છે.

પ્રદેશ ભાજપનું નેતૃત્વ હવે પોતાને બચાવવા માટે અનેક પ્રકારની ફોર્મ્યુલા રાષ્ટ્રીય નેતૃત્વ અને આપી રહેલ છે, જેનાથી રાજસ્થાનમાં ભાજપની સત્તા આવી રહેલ વિધાનસભાની ચૂંટણીઓમાં બચાવી શકાય.

એ મુજબ મંત્રીમંડળમાં ફેરફાર ફેરફાર કરી કેટલાંકને હટાવી અને નવા પ્રધાનો લેવાની પણ ફોર્મ્યુલા છે, જોકે આવી ચર્ચાઓથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાણી છે. ગ્રાઉન્ડ લેવલનાં કાર્યકર્તાઓનું કહેવું છે કે આવું કરવાથી કશું જ વળવાનું નથી.

પ્રદેશ ભાજપની સ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે અત્યારનું નેતૃત્વ કોઈપણ ફોર્મ્યુલા આપે તો કાર્યકર્તાઓની સાથે જ કેન્દ્રીય નેતૃત્વ પણ સતર્ક થઈ જાય છે અને તેને નકારી કાઢે છે. વાસ્તવમાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વને હવે એવા લોકો ફીડબેક આપી રહ્યા છે જેમને સ્થાનિક રાજનીતિની સમજ છે, જેમાં સંઘની વિચારધારા સાથે જોડાયેલા કેટલાક લેખકો સાહિત્યકાર ને મીડિયા પણ સામેલ છે.

આવા લોકોની હાલના ભાજપ નેતૃત્વે ચાર વર્ષ સુધી અવગણના કરી છે. આ લોકો મૂળ વિચારધારાથી ભાજપને સર્મિપત છે અને રાજસ્થાનના હાલના નેતૃત્વ અને તેમના મળતિયાઓ આ લોકોને પોતાની પાસે ફરકવા પણ દેતા નથી .

આમ જો કોઈ ચમત્કાર ન થાય તો રાજસ્થાનની વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં ભાજપનો પરાજય નિશ્ચિત માનવામાં આવે છે.(૨૧.૫)

 

(10:26 am IST)