Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

નમસ્તે ટ્રમ્પમાં ૨૫૦૦થી વધુ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

દસ એનઆરઆઇ પણ વિશેષરીતે ઉપસ્થિત રહ્યા : ઉદ્યોગપતિને જીએમડીસી ગ્રાઉન્ડથી બીઆરટીએસની ૬૫થી વધારે બસોમાં મોટેરા સ્ટેડિયમ સુધી લઈ જવાયા

અમદાવાદ,તા. ૨૪ : મોટેરા સ્ટેડિયમમાં ઐતિહાસિક નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં રાજકારણ, શિક્ષણ, બિઝનેસ, સામાજિક, આર્થિક સહિતના તમામ ક્ષેત્રોમાંથી હજારો મહાનુભાવોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને તેઓ ઐતિહાસિક પ્રસંગમાં હાજરી આપી સહભાગી પણ બન્યા હતા ત્યારે દસ એનઆરઆઇ સહિત ગુજરાતભરના ૨૫૦૦થી વધુ ઉદ્યોગપતિઓની કાર્યક્રમમાં હાજરી પણ નોંધનીય બની રહી હતી. મહત્વની વાત તો હતી કે, દસ એનઆરઆઇ સહિત ૨૫૦૦થી વધુ ઉદ્યોગપતિઓને જીએમડીસી ગ્રાઉન્ડથી બીઆરટીએસ બસની ૬૫ બસોમાં મોટેરા સ્ટેડિયમ સુધી લઇ જવાયા હતા. આજે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા ત્યારે સૌપ્રથમ તેઓ સીધા અમદાવાદમાં પહોંચ્યા હતા.

          અહીં રોડ શો અને ત્યારબાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદ શોભાવ્યું હતું. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાથી આવેલા આઠથી દસ ઉદ્યોગપતિઓ, સુરતથી આવેલા ૩૧૦ ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંકળાયેલા ૨૬૦ ઉદ્યોગપતિઓ જોડાયા હતા. ગેસિયા આઇટી એસોસીએશનના ૬૧૫ મેમ્બર્સ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના અને આઇટી એસોસીએશનના ૮૫ સભ્યો જોડાયા હતા. પહેલા ૩૦ બસોમાં બેસીને ૧૨૦૦ ઉદ્યોગપતિઓ જીએમડીસી ગ્રાઉન્ડથી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યારબાદ બીજા રાઉન્ડમાં અન્ય ૩૫ બસોમાં ૧૩૦૦ મળીને તમામ ઉદ્યોગપતિઓને મોટેરા સ્ટેડિયમ લઈ જવાયા હતા.

          આમ જીએમડીસી ગ્રાઉન્ડથી  બીઆરટીએસની બસોમાં ૨૫૦૦થી વધુ ઉદ્યોગપતિઓને સ્ટેડિયમ લઈ જવાયા હતા. પહેલા તેમને સ્ટેડિયમમાં જવા માટે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ૨૫૦૦ ઉદ્યોગપતિઓ જોડાયા હતા. ઉદ્યોગપતિઓએ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તેમના મોબાઈલમાં કેટલીક ક્ષણોને તસવીર અને વીડિયોના રૂપમાં કેદ કરી હતી. જો કે, ઉદ્યોગપતિઓની નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી નોંધનીય બની રહી હતી. કારણ કે, ટ્રમ્પની આજની મુલાકાતને લઇ ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારી સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનવાના હોઇ ઉદ્યોગપતિ ઉત્સાહિત જણાયા હતા.

(8:21 pm IST)