Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

એરપોર્ટથી સ્ટેડિયમ સુધીની સફરમાં ખાસ બોન્ડિંગ રહ્યું

ત્રણ કલાકમાં બંને નેતા પાંચ વખત ભેટી પડ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા અને આત્મિયતાનું ખાસ બોન્ડીંગ જોવા મળતાં લોકો સમક્ષ નોંધનીય દ્રશ્યો આવ્યા

અમદાવાદ, તા.૨૪ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સહપરિવાર સાથે આજે અમદાવાદની મુલાકાતને લઇ રાજ્યભરમાં ખાસ કરીને અમદાવાદમાં ભારે ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમ સુધીની સફર દરમ્યાન ટ્રમ્પ અને મોદી વચ્ચેની મિત્રતા અને આત્મીયતાનું ખાસ બોન્ડીંગ જોવા મળ્યું હતું. આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલેનિયા, દિકરી ઇવાન્કા અને જમાઇ જેરેડ કુશ્નરનું  આજે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રમ્પ-મેલેનિયાએ પણ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પ પરિવારના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની એરપોર્ટ પર એન્ટ્રીથી લઈને ગાંધી આશ્રમ અને બાદમાં મોટેરા સ્ટેડિયમ સુધીના મુસાફરીની ખાસ તસવીરો સામે આવી છે.

          અમદાવાદની મુલાકાત દરમિયાન ત્રણ કલાકમાં યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી પાંચવાર ભેટ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કરતા પીએમ મોદી તેમને પ્રથમવાર ભેટી પડ્યા હતા. પછી મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પને આવકારતી વેળાએ બન્ને પીએમ મોદી અને ટ્રમ્પ બીજીવાર ગળે મળ્યા હતા. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પને આવકારતી સ્પીચ આપ્યા બાદ મોદી તેમને ત્રીજીવાર ભેટી પડ્યા હતા. ત્યારપછી  ટ્રમ્પે મોટેરામાં તેમની સ્પીચ પૂરી કરી ત્યારે બંને નેતા ફરી એકવાર ભેટી પડ્યા હતા. મોટેરા સ્ટેડિયમમાંથી ટ્રમ્પને વિદાય આપતી વેળાએ પણ પીએમ મોદી પાંચમી વાર ટ્રમ્પને ભેટી પડ્યા હતા. આમ, બંને મહાનુભાવો વચ્ચે બહુ નોંધનીય અને આત્મીયતાભરી મિત્રતાનું બોન્ડીંગ જોવા મળ્યું હતું. આમ, મોદી અને ટ્રમ્પની આજની મુલાકાત અને મિત્રતામાં ગળે મળીને સામે આવેલું અનોખુ બોન્ડીંગ માત્ર ગુજરાત અને ભારત નહી પરંતુ વિશ્વભરમાં નોંધનીય બની રહ્યું હતું.

(8:20 pm IST)