Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લઇને ખુશ

ગાંધી આશ્રમ ખાતે થોડીક મિનિટ સુધી રોકાયા : ગાંધી આશ્રમમાં મોદી રાષ્ટ્રપિતા ગાંધીજી અને આશ્રમની ઐતિહાસિક વાતો ટ્રમ્પને જણાવી : ઉત્સુકતાનું વાતાવરણ

અમદાવાદ,તા.૨૪: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચી ગયા બાદ તેમના કાર્યક્રમની શરૂઆત થઇ હતી. અમદાવાદ વિમાનીમથકે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે પહોચ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. આશ્રમની મુલાકાત દરમ્યાન ટ્રમ્પ ગાંધીજીનો ચરખો પણ કાંત્યો હતો.  વડાપ્રધાન મોદી પણ ડોનાલ્ડ ટ્રમ્પને સાબરમતી ગાંધી આશ્રમની અને રાષ્ટ્રપિતા ગાંધીજીની ઐતિહાસિક વાતો અને તેના મહાત્મ્યતાની વાતોથી સારીપેઠે વાકેફ કર્યા હતા. 

ટ્મ્પ આશ્રમમાં ગાંધીજીના સ્મારક હૃદયકુંજની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આશ્રમ તરફથી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ચરખો અને પુસ્તક પણ એનાયત કરવામા આવ્યા હતા. આજે ગાંધીઆશ્રમના ટ્રસ્ટી અમૃત મોદીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની ગાંધીઆશ્રમમાં મુલાકાતને લઇ પુષ્ટિ કરી હતી.  અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી ગાંધીઆશ્રમમાં મુલાકાત લેવાના હોઇ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઇ લોખંડી અને ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી હતી.  સાત જેટલા આઇપીએસ અધિકારીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આશ્રમની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપાઇ છે અને તેને લઇને જ આશ્રમમાં લોખંડી સુરક્ષા કવચ ખડકી દેવાયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમને લઇને ખુશી વ્યક્ત કરી હતી. તેમને મુલાકાત પુસ્તકમાં સંદેશ પણ લખ્યો હતો.ગાંધી આશ્રમની મુલાકાત વેળા ટ્રમ્પ પરિવારના સભ્યો પ્રભાવિત રહ્યા હતા.

(3:52 pm IST)