Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

આવતીકાલે દિલ્હીમાં ટ્રમ્પ સાથે યોજાનાર ડિનર પાર્ટી માટે સોનિયા-મનમોહનની બાદબાકી

વિપક્ષોના જુજ નેતાઓને આમંત્રણ

નવી દિલ્હી,તા.૨૪: મંગળવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માનમાં સરકાર દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છેે. તેમાં વિરોધપક્ષના બહુ ઓછા નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. સરકારે આમંત્રણો આપવામાં પ્રોટોકલ, રાજકીય વિચારોને વધુ મહત્વ આપ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ડિનરમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ અપાયા છે. પરંતુ સોનિયા ગાંધી સહિતના તમામ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને બાકાત રખાયા છે. તેમ પક્ષનાં સુત્રોએ જણાવ્યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને પણ કમ સે કમ રવિવારે સાંજ સુધી આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના નેતાઓએ નિર્દેશ કર્યો હતો. કે સોનિયાને આમંત્રણ મળ્યું ન હોવાથી તેના વિરોધમાં અધીર રંજન ચૌધરીએ ડિનરથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. અમેરિકન પ્રેસિડન્ટના માનમાં યોજાયેલા ડિનરનો કોંગ્રેસ બહિષ્કાર કરતી નથી એ દર્શાવવા માટે ગુલામ નબી આઝાદ કદાચ આ પ્રસંગમાં હાજરી આપી શકે છે.

એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ જણાવ્યું હતું કે આવા પ્રકારના પ્રસંગોએ આપવામાં આવતા આમંત્રણ હંમેશા સરકારની વિશેષાધિકાર દર્શાવે છે. હાલની સરકાર લોકશાહી પ્રણાલીને વળગી રહે તેવી અમે અપેક્ષા રાખતા નથી. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળ વચ્ચે પણ કોઇ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી. ઓબામાની ભારત મુલાકાત સમયે તેઓ સોનિયા ગાંધીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને મળ્યા હતા.

(12:03 pm IST)