Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભારતીય વ્યાપારીઓ ધડાધડ ચીનની મુસાફરી રદ કરવા લાગ્યાઃ ભારે ભય

મહા ભયાનક કોરોના વાયરસની ભૂંડી અસર

નવી દિલ્હી તા. ર૪: ભારતીય પ્રવાસીઓએ કોરોના વાયરસના ભયના કારણે ચીનના પ્રવાસનું બુકીંગ કેન્સલ કરાવવાનું શરૂ કરી દીધું છે. ટ્રાવેલ ઓપરેટરોનું કહેવું છે કે ચીનના શાંઘાઇ અને બેજીંગ જેવા શહેરો માટેની પૂછપરછ પણ ઘટી ગઇ છે. અત્યારે ભારતમાંથી ચીનમાં ફરવા જવાની સીઝન નથી. વાયરસ ફેલાવાની માહિતી મળ્યા પછી વેપાર કરવાના ઉદ્દેશથી ભારતથી ચીન જનારા લોકો બુકીંગ કેન્સલ કરાવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી એડવાઝરી બહાર પડયા પછી યાત્રીએ સાવધ થઇ ગયા છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત થયા છે. આ વાયરસથી પીડિત લોકોની સંખ્યા ૪૦૦ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રાલયે એડવાઇઝરી બહાર પાડીને ચીનની યાત્રા કરનારા ભારતીયોને આરોગ્ય બાબતે સાવધ રહેવા અને બિમાર લોકોથી દૂર રહેવા કહ્યું હતું. સિવિલ એવિએશન મીનીસ્ટ્રીએ આ યાદીમાં ચીન હોંગકોંગથી આવનારા પ્રવાસીઓની કેટલાક એરપોર્ટ પર ચેપ અંગેની તપાસ ચાલુ કરી છે.

(4:29 pm IST)