Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મધ્યપ્રદેશ ભાજપમાં ભડકો : CAA અને NRCના વિરોધમાં 76 મુસ્લિમ નેતા અને કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા

ઇન્દોર, દેવાસ અને ખરગોનના લઘુમતી શાખાઓ સાથે જોડાયેલા આગેવાનોએ પાર્ટી છોડી

ભોપાલ : મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 76 મુસ્લિમ ભાજપ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ સંશોધિત નાગરિકતા કાયદો અને પ્રસ્તાવિત NRC ના વિરોધમાં પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. પક્ષ છોડનારા બધા કાર્યકર્તાઓ ભાજપના ઇન્દોર, દેવાસ અને ખરગોનના લઘુમતી શાખાઓ સાથે જોડાયેલા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના નજીકના ગણાતા રજિક કુરૈશી ફરશીવાલાએ એક મીડિયા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે અમે જ જાણીએ છીએ કે પોતાના સમુદાયના લોકોને ભાજપને મત આપવા માટે મનાવવા અમારા માટે કેટલા મુશ્કેલ હતા, પરંતુ હવે ભાજપ દ્વારા સતત એવા મુદ્દા પર વાત કરવામાં આવી રહી છે, જેના કારણે અમારા માટે મુશ્કેલીઓ વધી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જે મુસ્લીમ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડયો છે, તેમાં વધારે પ્રમાણમાં બૂથ લેવલના પદાધિકારીઓ છે અને સક્રિય કાર્યકરો છે. આ નેતાઓએ ભાજપને છોડતા પહેલા ઇન્દોરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી પોતાના આ નિર્ણય અંગેની જાણકારી આપી. નોંધપાત્ર છે કે કેટલાક દિવસ પહેલા સંશોધન નાગરિકતા કાયદાના મુદ્દા પર એમપીમાં અલગ-અલગ વિસ્તારોમાંથી પાર્ટીના મુસ્લિમ નેતાઓએ ભાજપનો સાથ છોડી દીધી હતો.

 રજિક કુરૈશીએ જણાવ્યું કે પદાધિકારીઓએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને માગણી કરી હતી કે નવા કાયદામાં મુસ્લિમોને સામેલ કરવાની માગણી કરી હતી. રજિકે જણાવ્યું કે અમે બાબરી મસ્જિદ-રામ મંદિર કેસ અને ત્રિપલ તલાક મુદ્દા પર સરકારને સમર્થન કરીએ છીએ, પરંતુ હવે કૉમન સિવિલ કોડ પર પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. આપણે કેટલા સમય સુધી હિન્દુ-મુસ્લિમ મુદ્દામાં જ રહીશું ? શું અમારા બાળકોને ક્યારેય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક નહીં મળે?

જો કે બીજી તરફ ભાજપ આટલી મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓએ રાજીનામા આપવાને લઇને ચિંતિત જોવા મળી રહી નથી. પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું છે કે જેમણે રાજીનામા આપ્યાં છે તેમની પાસે કોઇ મહત્વની જવાબદારી નથી

(1:34 pm IST)