Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શેરમાર્કેટને દોડતુ કરવા બજેટમાં થશે અનેક જાહેરાતો

શેરબજારના કારોબારીઓને એલટીસીજી અને એસટીટીમાં અપાશે રાહત

નવી દિલ્હી, તા. ૨૪ :. શેરબજારને બૂસ્ટ કરવા માટે સરકાર આ વખતના બજેટમાં મોટી જાહેરાતો કરી શકે છે. શેરમાર્કેટમાં ધંધો કરતા લોકોને લોંગ ટર્મ કેપીટલગેઈન (એલટીસીજી) અને સિકયોરીટી ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં રાહત આપી શકાય છે. આ ઉપરાંત ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્ષ (ડીડીટી)ને બંધ કરીને કંપનીઓને પ્રોત્સાહન આપી શકાય છે જેથી તેઓ શેરબજારમાં વધુ રોકાણ કરે.

સૂત્રો અનુસાર સરકાર એલટીસીજીને સાવ બંધ તો નહીં કરે પણ ૩ વર્ષથી વધુની મુદત પર કોઈ એલટીસીજી ન લગાડવાની ભેટ આપી શકે છે. આનો મતલબ કે જો કોઈએ શેર ખરીદીને ત્રણ વર્ષ પોતાની પાસે રાખ્યા પછી તેને વેચે તો તેમાથી થનાર નફા પર એલટીસીજી નહી લાગે. અત્યારે શેર ખરીદવા પછી જો કોઈ એક વર્ષ પહેલા તેને વેચે તો તેને મળનાર નફા પર ૧૫ ટકા એલટીસીજી લાગે છે અને એક વર્ષ અથવા તેનાથી વધારે સમય પછી ૧૦ ટકા.

આ જ રીતે સરકાર એસટીટીમાં રાહત આપવા બે ઉપાયો પર વિચાર કરી રહી છે. એક તેનો દર ઘટાડવામાં આવે, બીજુ જે કારોબારી જેટલો એસટીટી ભરે તેને આવકવેરાની કલમ ૮૮ઈ હેઠળ એડવાન્સ ટેક્ષમાં સામેલ કરી લેવાય. શરત એ હશે કે કારોબારીએ તેને ધંધાની આવક તરીકે દર્શાવવો પડશે. આ બેમાંથી એક પર સંમતિ થઈ શકે છે. હાલમાં શેરના ખરીદ વેચાણ પર ૦.૦૦૧ ટકો ટેક્ષ લાગે છે, એટલે કે કોઈ એક કરોડના શેર વેચે તો તેણે ૧૦૦૦ રૂપિયા એસટીટી ભરવો પડે છે. એક સરકારી અધિકારી અનુસાર, એલટીસીજી અને એસટીટી દ્વારા સરકારી ખજાનામાં એટલા નાણા નથી આવ્યા જેટલાની તેને આશા હતી અને તેનાથી ઉલ્ટુ તેના કારણે શેરબજાર પર નકારાત્મક અસર પડી છે.

અત્યારે સરકારની નાણાકીય સ્થિતિ એવી નથી કે તેને સંપૂર્ણપણે માફ કરી શકે, પણ તેમાં રાહત આપી શકે છે. સરકારે ત્રણ વર્ષની મુદત એટલા માટે રાખી છે. જેથી કારોબારી લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ કરે. અધિકારી અનુસાર, સરકાર આગામી વર્ષમાં અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા વિનીવેશ પ્રક્રિયા દ્વારા વધુ નાણુ એકઠુ કરવા માંગે છે. તેના માટે શેરબજારમાં તેજીનું વાતાવરણ રહેવું જરૂરી છે, એટલે જે તે આ બધી રાહતો આપવા માંગે છે.

(10:21 am IST)