Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

શરીરથી જોડાયેલ ભાઇઓએ મહેનત કરીને મેળવી સરકારી નોકરી

આ જોડિયા બાળકોમાં બે હૃદય, બે જોડી હાથ, કિડની અને કરોડરજ્જુ છે પરંતુ એક જ લીવર, પિત્તાશય, બરોળ અને પગની એક જ જોડ છે : પિંગલવાડાના જોડાયેલ ભાઇઓ સોહના-મોહનાને PSPCLમાં નોકરી મળી : હવેથી તેઓ અધિકારી તરીકે એક ઓફિસમાં કામ કરશે

અમૃતસર તા. ૨૩ : અમૃતસરના આ પ્રેમાળ ભાઈઓ એકબીજા સાથે મનથી અને તનથી જોડાયેલા છે. એકબીજા સાથે જોડાયેલા જોડિયા ભાઈઓ સોહના-મોહનાએ એક નવું પરાક્રમ કરી બતાવ્યું છે. તેઓને હવે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશનમાં જોબ મળી ગઈ છે.

પિંગલવાડાના રહેવાસીઓ સોહના-મોહના કે જેમણે આઇટીઆઇમાંથી ડિપ્લોમા ઇલેકટ્રીશિયનનો અભ્યાસ કર્યો છે, તેઓ બુધવારે આવેલી 66-KV PSPCL ઓફિસમાં નિયમિત ટી મેટ (RTM) તરીકે સત્તાવાર રીતે તેઓની ફરજમાં જોડાયા હતા. તેઓ સપ્લાય કંટ્રોલ રૂમમાં કામ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

જોડિયા બાળકોને શરૂઆતમાં રૂ. ૨૦,૦૦૦નો માસિક પગાર મળશે. આ મુદ્દે PSPCL CMD વેણુ પ્રસાદે જણાવ્યું હતું કે 'અમને ખબર પડી કે દુર્લભ લક્ષણો ધરાવતી આ વ્યકિતઓ ITI માં ડિપ્લોમા કરી રહી છે અને ઈલેકટ્રીશિયન તરીકે કારકિર્દી બનાવવા માંગે છે. અમે તેઓનો સંપર્ક કર્યો અને તેમને ખૂબ જ સક્રિય જણાયા. જોડિયા ભાઇઓ સારું ટેકનિકલ નોલેજ ધરાવે છે. તેથી, અમે તેમને વિકલાંગ વ્યકિતઓના કવોટા હેઠળ અમારા વિભાગમાં ભરતી કરવાનું નક્કી કર્યું છે,'

આ જોડિયા બાળકોમાં બે હૃદય, બે જોડી હાથ, કિડની અને કરોડરજ્જુ છે, પરંતુ એક જ લીવર, પિત્ત્।ાશય, બરોળ અને પગની એક જ જોડ છે.

તેઓને તેમના માતા-પિતા દ્વારા ત્યજી દેવામાં આવ્યા પછી, એઈમ્સના ડોકટરોએ પિંગલવાડાનો સંપર્ક કર્યો અને ૨૦૦૩માં સ્વતંત્રતા દિવસે નવજાત શિશુઓને ઘર મળ્યું હતું જયાં ડો. ઈન્દ્રજીત કૌર દ્વારા તેમને સોહના અને મોહના નામ આપવામાં આવ્યું.

સોહના-મોહનાએ કહ્યું કે તેઓ પંજાબ સરકારના આ તક આપવા બદલ આભારી છે. આ પ્રસંગે સોહનાએ કહ્યું, 'અમે ખૂબ જ ઇમાનદારી અને ડેડિકેશન સાથે સખત મહેનત કરીશું.' જયારે મોહનાએ કહ્યું હતું કે , 'અમે પિંગલવાડા સંસ્થાના ખૂબ આભારી છીએ જેણે અમને ઉછેર્યા, અમને શિક્ષિત કર્યા અને અમને સ્વ-નિર્ભર બનવામાં મદદ કરી.'

તેઓ ૧૪ જૂન, ૨૦૦૩ના રોજ નવી દિલ્હીની સુચેતા ક્રિપલાની હોસ્પિટલમાં જન્મેલા, તેઓને તેમના માતાપિતાએ ત્યજી દીધા હતા. બાદમાં તેઓને AIIMSમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ડોકટરોએ તેમને અલગ ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેના પરિણામે એક વ્યકિતને જિંદગી ગુમાવવાનો વારો આવી શકે તેમ હતો અને જયારે બીજા વ્યકિતને ન્યુરોલોજીકલ ડેમેજ થઈ શકે તેમ હતું.

(3:34 pm IST)