Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ફિલ્મ નિર્માતાએ રોલ આપવા સાથે સૂવાની ઓફર કરી હતી

બોલિવૂડમાં ફરી કાસ્ટિંગ કાઉચનો આક્ષેપ : દિલ તો હૈપ્પી જી ફેમ અભિનેત્રી ડોનલ બિસ્ટે ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષની વાત કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો

મુંબઈ, તા. ૨૩ ; બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મામલો આજકાલ ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે. એવામાં હવે દિલ તો હૈપ્પી જી ફેમ અભિનેત્રીએ એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રી ડોનલ બિષ્ટે પોતાના ખરાબ સમયને યાદ કર્યો છે અને પોતાના સંઘર્ષની કહાની સંભળાવી છે. આજે ભલે અભિનેત્રીને પોતાની એક ઓળખ મળી ગઈ છે. પરંતુ તેમને ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

પોતાના એ સમયને યાદ કરતા અભિનેત્રીએ કહ્યુ કે, એ સમય એવો પણ હતો જ્યારે તેમને એક શો માટે પસંદ કરવામાં આવી હતી. તે પ્રોજેક્ટ માટે ફી અને દરેક વાત ઉપર ચર્ચા કરીને ડીલ ફાઈનલ કરવામાં આવી હતી. પછી અચાનક તેને ખ્યાલ આવ્યો કે તેમની જગ્યાએ બીજી કોઈ અભિનેત્રીને સાઈન કરી લેવામાં આવી છે. આ ઘટનાથી ડોનલ બિષ્ટ અને તેમના પરિવારને એ વાતનો અહેસાસ થયો કે મુંબઈમાં તે કોઈના પર ભરોસો કરી શકે નહીં.

ડોનલ બિષ્ટે કહ્યું કે, મને મારા કામ, ટેલેન્ટ અને મહેનત ઉપર ખુબ જ ભરોસો હતો. આ કારણે જ મેં ક્યારેય હાર માની ન હતી. સતત ઓડિશન્સ આપતરહેતી હતી. કેટલાક દિવસ પછી એક જગ્યાએ સિલેક્ટ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે સ્થિતિ પહેલા કરતા પણ વધાર ખરાબ હતી.

સાઉથના એક ફિલ્મ નિર્માતાએ ડોનલ બિષ્ટને રોલ આપવાની વાત કરી. તેની સાથે તેણે તેની સાથે સુવા માટેની પણ માગ કરી હતી. ડોનલના કહેવા મુજબ તેણે તરત જ તે વ્યકિત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. કારણ કે તે ખોટી રીતે કામ કરવા માગતી ન હતી. આ પહેલા પણ કેટલીક અભિનેત્રીઓને ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલો પગ મુકવા માટે આવી ઓફર આપવામાં આવી હતી. હવે ધીરે ધીરે આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનામાં બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ પણ સામેલ છે. જણાવી દઈએ કે ડોનલ બિષ્ટે વર્ષ ૨૦૧૫માં સ્ટાર પ્લસના શો એરલાઈનથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

(7:44 pm IST)