Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મહારાષ્‍ટ્રના અમરાવતીમાં ખેડૂતના આંદોલન વચ્‍ચે ચોંકાવનારો કિસ્‍સોઃ મોટાભાઇએ આપઘાત કર્યા બાદ આઘાતમાં નાના ભાઇનું પણ મોત

મુંબઈ: દેશમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મહારાષ્ટ્રના અમરાવતીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સંતરાથી ખેતી કરનારા ખેડૂત પરિવારના બે સભ્યોના મોત થયા છે. સૌ પ્રથમ મોટા ભાઈ અશોક ભૂયારે આપઘાત કર્યો હતો. જેના અંતિમ સંસ્કાર કરીને પરત ફરતી વખતે નાના ભાઈને આઘાતમાં એટેક આવતા તેનું પણ મોત નીપજ્યું છે.

અશોક ભૂયારે આત્મહત્યા કરતાં પહેલા રાજ્ય સરકારના મંત્રી બચ્ચૂ કડૂને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં મદદની માંગ કરી હતી. બચ્ચૂ કડૂ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં શિક્ષણ મંત્રી છે. જેમની ગણતરી વિસ્તારના સૌથી મોટા ખેડૂત નેતા તરીકે થાય છે. તાજેતરમાં બચ્ચૂ કડૂ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા દિલ્હી પણ પહોંચ્યા હતા.

ખેડૂતે પોતાના પત્રમાં લખ્યું છે કે, સંતરાની બોલી લગાવનારા વેપારીએ છેલ્લી ઘડીએ માલ લેવાનો ઈન્કાર કરી દીધો. જ્યારે ખેડૂતે પ્રશ્ન પૂછ્યો તો, તેણે પહેલા દારૂ પીવડાવ્યો અને પછી બેરહેમીથી ફટકાર્યો.

ખેડૂત અશોક ભૂયારે આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. પરિવારનો આરોપ છે કે, જ્યારે ખેડૂત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા માટે ગયો, ત્યારે ઈન્સ્પેક્ટરે પણ તેને ફટકાર્યો હતો. જે બાદ તેણે આત્મહત્યા કરી લીધી.

જો કે આ દરમિયાન મંત્રીના નામે તેણે પત્ર પણ લખ્યો. આ આત્મહત્યા બાદ ગ્રામજનો અને તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ખૂબ જ હોબાળો કર્યો અને જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

જણાવી દઈએ કે, અગાઉ પણ મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય વિસ્તારોમાં આ પ્રકારના કેસ સામે આવ્યાં છે. જ્યાં ખેડૂતને પાકમાં થયેલા નુક્સાન બાદ મોત વ્હાલું કર્યું હોય. જો કે આ ઘટના એવા સમયે ઘટી છે, જ્યારે દિલ્હીના રસ્તાઓ પર નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના પણ અનેક ખેડૂત સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા છે.

(5:14 pm IST)