Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

શ્રોતાઓ કર્મી-ધર્મી-મર્મી અને ભરમી હોયઃ પૂ.મોરારીબાપુ

શુકતાલમાં આયોજીત 'માનસ માલ્યવંત' ઓનલાઇન શ્રીરામ કથાનો પાંચમો દિવસ

રાજકોટ તા. ર૩ :.. 'શ્રોતાઓ કર્મી, ધર્મી, મર્મી અને ભરતી હોય છે' તેમ પૂ. મોરારીબાપુએ શુકતાલ ખાતે આયોજીત 'માનસ માલ્યવંત' ઓનલાઇન શ્રીરામ કથાના પાંચમા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ શ્રીરામ કથામાં આજે શ્રોતાઓના વિવિધ વિચારો રજુ કર્યા હતાં. અને શ્રીરામ કથાના અનુભવો વર્ણવ્યા હતાં. ગઇકાલે શ્રીરામ કથાના ચોથા દિવસે પૂ. મોરારીબાપુએ કહયું કે જયાં હ્રદય બ્રહ્મનું અનુસંધાન કરે એ બ્રહ્માનંદ. જે સહેજ કઠોર છે પણ રામાનંદ ઋજુ પ્રેમાપદ હોય છે. ખરેખર વૈષ્ણવ હોય એ એવું માંગેકે અમને પરમાનંદ આપજો અમે તો એમના ભોગી છીએ.યોગીઓને બ્રહ્માનંદ આપજો. બ્રહ્માનંદ તો અસંગ-સંગથી મુકત હોય છે પણ પરમાનંદમાં સંબં ધ જોડાય. સુફીઓ જેને પ્રેયસી કહે છે. બ્રહ્માનંદ સાંભળી સાંભળીને દિમાગમાં ભરી શકાય પણ પરમાનંદ ખુદને ખતમ કરે છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે ગીતાજી કહે છે સંગથી કામ અને કામથી ક્રોધ પેદા થાય છે પણ ફકીરોના સંગથી રામ પ્રગટે છે.  સત્સંગમાં ટાઇમ ટેબલ નહી ટાઇમ સ્ટેબલ થઇ જાય છે. કાળ રોકાઇ જાય છે. લક્ષ્મણ ધર્મ છે. શત્રુધ્ન અર્થ છે. રામ તો સ્વયં મોક્ષ છે પણ ભરત કામ છે એ સમજવા સહેજ ગુરૂકૃપા જોઇશે. અરથ ન ધરમ ન કામ રૂચી ગતી ન ચહલુ નિરબાન જનમ જનમ રતી રામ પદ યહિ બરદાન ન આન એવું ગાનાર ભરત કામ કઇ રીતે? ગોસ્વામી ક્રાંતીકારી છે ભરત પ્રેમ છે તો કામ કઇ રીતે? પણ કામનો આપણા શબ્દ કોષમાં બે અર્થ છે. આપણે એક જ અર્થ પકડી રાખ્યો છે કે બે શરીર એટલે કામ પણ બીજો અર્થ એક જ અર્થ પ્રેમ. પ્રભુ પ્રેમની કોઇ કામના કરે તો એ કામ નહી પ્રેમ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, વિષયાનંદ, ભોગાનંદ આદિ આનંદના પાંચ પ્રકાર છે પણ સાધક માટે બે પ્રકારના આનંદ - બ્રહ્માનંદ અને પરમાનંદ, બન્ને વચ્ચે શું ભેદ? કોઇ સાધકને બ્રહ્મની સ્મૃતિ થાય અથવા બ્રહ્મ એની સ્મૃતિ ખોલે ને સાધુને - સાધકને અનુભવ થાય એ બ્રહ્માનંદ પણ સાધુને પોતાના ગુરૂની યાદ આવે ને જે અનુભૂતિ થાય એ પરમાનંદ, પરમાનંદમાં ગદ ગદ ગિરા નયન બહૈ નીરા - એ અવસ્થા હોય છે. વિષયાનંદ તો ક્ષણિક સુખ છે.

(3:44 pm IST)