Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

લોકડાઉનનો દાયરો વધારવા તંત્રને ફરજ પડી

બ્રિટનમાં નવા વાયરસનું તાંડવઃ વધુ વિસ્તારોને ભરડામાં લીધાઃ આકરા લોકડાઉનમાં રહેશે લોકો

લંડન તા. ર૩ :.. બ્રિટનના અનેક નવા વિસ્તારોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવ્યા છે જેને કારણે આકરા પ્રતિબંધોનો દાયરો વધારવામાં આવી રહ્યો છે. 'ધ સન'ના રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડના અનેક વિસ્તારોમાં ર૬ ડીસેમ્બરથી કડક લોકડાઉન લાગુ થશે.

દક્ષિણ પશ્ચીમ, મિડલેંડ અને નોર્થ ઇંગ્લેન્ડમાં નવા વાયરસના કેસ આવ્યા બાદ ગઇ રાત્રે પ્રધાનો અને મેડિકલ નિષ્ણાતોની બેઠક મળી હતી હાલ એ વિસ્તારોમાં લેવલ-ર કે ૩ ના પ્રતિબંધો લાગુ છે જેને હવે કડક લોકડાઉનમાં બદલાશે.

હાલ બ્રિટને લંડન અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં કડક લોકડાઉન લાગુ કરેલ છે. સુત્રોના કહેવા મુજબ સમગ્ર ઇંગ્લેન્ડમાં કડક લોકડાઉન નહિ થાય પણ અનેક વિસ્તારોને આવરી લેવાશે.

બર્મિંગહામમાં ક્રિસમસ પૂર્વે કડક લોકડાઉન (ટાયર-૪) લાગુ થશે. જેને કારણે લોકો એકબીજાને મળી નહિ શકે. જો કે બોરિસ સરકારનો પ્રયાસ છે કે લોકો ફેસ્ટીવ બબલ્સ થકી એકબીજાને મળે પણ નિષ્ણાતો  ના પાડી રહ્યા છે. દરમ્યાન બ્રિટન બાદ વિશ્વના અન્ય દેશોમાં નવા કોરોના વાયરસના કેસ વધવાનો ખતરો ઉભો થયો છે.

(2:53 pm IST)