Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

દેશમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન નવેમ્બર મહિનામાં 5 ટકા ઘટ્યું

એપ્રિલથી નવેમ્બરના ગાળામાં દેશમાં ઓઈલનું ઉત્પાદન 6 ટકા ઘટીને 2.04 કરોડ ટન થયું

નવી દિલ્હી : દેશમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન નવેમ્બર મહિનામાં 5% ઘટ્યું હતું. રાજસ્થાનમાં કેર્ન વેદાંત સંચાલિત ઓઈલફિલ્ડમાં ઉત્પાદન નોઁધપાત્ર ઘટવાને કારણે કુલ ઉત્પાદન ઘટ્યું હતું. સરકારે  આ આંકડા જાહેર કર્યા હતા. નવેમ્બરમાં ક્રૂડ ઓઈલનું 24.8 લાખ ટન ઉત્પાદન થયું હતું, જે ગયા વર્ષે આ ગાળામાં 26.1 લાખ ટન થયું હતું.

 રાજસ્થાન ઓઈલફિલ્ડમાં ક્રૂડ ઓઈલનું 4,76,990 ટન ઉત્પાદન થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં થયેલા ઉત્પાદનમાં 9.6 ટકાનો ઘટાડો દર્શાવે છે. કેર્નના મંગલા, ઐશ્વર્યા અને અન્ય ફિલ્ડમાંથી નોંધપાત્ર ઉત્પાદન ઘટ્યું હતું.

 સરકાર સંચાલિત ઓએનજીસીનું ઉત્પાદન 1.5 ટકા ઘટ્યું હતું. નવા ફિલ્ડમાંથી ઓછા ઉત્પાદનનો જ અંદાજ હતો. ઓઈલ ઈન્ડિયાએ આસામમાં ઉત્પાદનમાં 6.6 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો કારણ કે ત્યાં વિરોધ પ્રદર્શનને કારણે અસર થઈ હતી. એપ્રિલથી નવેમ્બરના ગાળામાં દેશમાં ઓઈલનું ઉત્પાદન 6 ટકા ઘટીને 2.04 કરોડ ટન થયું હતું. રાજસ્થાનમાંથી ઓઈલ ઉત્પાદન 16 ટકા ઘટીને 39.1 લાખ ટન થયું હતું.
  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર સ્થિત નિકાસલક્ષી રિફાઈનરીમાં 90 ટકા ક્ષમતા સાથે ક્રૂડ ઓઈલની પ્રોસેસિંગની કામગીરી થઈ હતી. સ્થાનિક બજારલક્ષી યુનિટમાં 106 ટકા ક્ષમતા સાથે કામગીરી થઈ હતી. નયારા એનર્જીની વાડિનાર રિફાઈનરી ખાતે 90 ટકા ક્ષમતા સાથે કામગીરી થઈ હતી.

(11:59 am IST)