Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ભાજપે પોતાના વખાણ કરતા પોસ્ટરમાં જેને બતાડયો એ ખેડૂત હકીકતમાં ખરડા વિરૂધ્ધ આંદોલન કરે છે

ભાજપે ગેરકાયદે ફોટાનો ઉપયોગ કર્યાનો આરોપ

નવી દિલ્હી, તા.૨૩: પંજાબના ખેડૂત હરપ્રીત સિંહ ખેડૂત આંદોલનને લઈને વિરોધ પ્રદર્શનમાં સિંધૂ બોર્ડર પર હાલ શામેલ છે, પણ ભારતીય જનતા પાર્ટી પંજાબમાં આ કાયદાને લઈને જે જાહેરાત ચલાવી રહ્યા છે. તેના હરપ્રીતનો ફોટો લગાવેલો છે. એટલે કે, ભાજપે જે ખેડૂતનો ફોટો લગાવી ભાજપ જાહેરાત કરી રહ્યુ છે, હકીકતમાં તે ખેડૂત તો છેલ્લા ૨ અઠવાડીયાથી બોર્ડર પર નવા કૃષિ કાયદાને લઈને વિરોધ કરવા ધરણાં પર બેઠેલા છે. હરપ્રીતનો આરોપ છે કે, ભાજપે ગેરકાયદેસર રીતે તેમના ફોટાનો ઉપયોગ કર્યો છે.

હરપ્રીત હોશિયારપુરના રહેવાસી છે. વ્યવસાયે તેઓ ખેડૂત છે તથા એકટર પણ છે. તેમનું કહેવુ છે કે, તેમણે આ તસ્વીર ૬-૭ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. તેમને કાલે સાંજે મિત્રોએ વોટ્સએપ પર ભાજપની આ જાહેરાત બતાવી. જેમાં તેમની તસ્વીર લગાવેલી હતી, તેમનું કહેવુ છે કે, આ તસ્વીર લગાવવા માટે તેમની મંજૂરી પણ ભાજપે નથી લીધી. ત્યારે હવે લોકો તેને ફોન કરીને ભાજપના પોસ્ટર બોય કહી રહ્યા છે. ત્યારે આ શખ્સનું કહેવુ છે કે, હું ભાજપનો નહીં પણ ખેડૂતનો પોસ્ટર બોય છું.

લગભગ ૩૫ વર્ષની ઉંમર ધરાવતા હરપ્રીતનું કહેવુ છે કે, તે છેલ્લા બે અઠવાડીયાથી સિંધુ બોર્ડર પર બેઠેલા છે. તેમણે પોતાની અસલી ફોટો અને ભાજપની જાહેરાત સાથે લીગલ નોટિસ પણ મોકલવાનો નિર્ણય છે.

ભાજપે આ જાહેરાતમાં ટેકાના ભાવ પર જે શંકાઓ જાગી રહી છે, તેને દૂર કરવાની કોશિશ કરી છે. આ જાહેરાત પંજાબના ભાજપ એકમે બનાવી ફેસબુક પેજ પર શેર કરી હતી. પાક સંબંધિત ડેટા આપતી આ જાહેરાતના એક ખૂણામાં એક પંજાબી યુવાન ખેડૂત હાથમાં હળ લઈને બતાવ્યો છે.

હરપ્રીત જણાવે છે કે, તે છેલ્લા બે અઠવાડીયાથી સિંધૂ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યો છે.

જયાં ૨૬ નવેમ્બરથી કૃષિ કાયદા વિરુદ્ઘ પંજાબ, હરિયાણા સહિત કેટલાય રાજયોના ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત થઈ પણ પરિણામ કંઈ આવ્યુ નથી.

(11:07 am IST)