Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કાળમુખા કોરોનાએ ફરી માથું ઉંચકયુ રાજકોટમાં આજે ૮ મોતઃ નવા ૩૦ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૧૩,૦૬૮ એ પહોંચ્યોઃ ગઇકાલે ૧૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા આજ દિન સુધીમાં ૧૨,૧૦૭ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૨.૮૫ ટકા થયો : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૪૭ બેડ ખાલીઃ શહેરમાં ૪૬ અને જીલ્લામાં ૧૦૪ માઇક્રો કન્ટેનમેન્ટઝોન કાર્યરત છે

રાજકોટ, તા. ૨૩: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં વધ-ઘટ થઇ રહી છે ત્યારે આજે ૮ દર્દીઓનાં મોત થયા  છે. શહેરમાં બપોર સુધીમાં ૩૦ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી   ૫ પૈકી એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૩ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૮ દર્દીઓનાં મૃત્યુ થયાં હતા.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૪૭ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

શહેરમાં ૪૬ અને જીલ્લામાં ૧૦૪ માઇક્રો કન્ટેનમેન્ટઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૩૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૩૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૦૬૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૨,૧૦૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૨.૮૫ ટકા રિકવરી રેટ થયો છે.

જયારે આજ દિન સુધીમાં ૫,૧૩,૫૨૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી -૧૩,૦૬૮સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૩ ટકા થયો છે.

નવા ૮ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ચંપકનગર પેડક રોડ, સુર્યોદય સોસાયટી કાલાવડ રોડ, નવ જયોત પાર્ક ૧૫૦ ફૂટ રિંગ રોડ, ગુરૂકૃપા સોસાયટી કોઠારીયા રોડ, રોયલ પાર્ક યુનિવર્સિટી રોડ, હાથીખાન, કુવડાવાડી, જયપાર્ક નાના મૌવા રોડ વિગેરે સહિતના નવા ૯ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૪૬ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(2:54 pm IST)