Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સેન્સેક્સમાં ૧૯૮, નિફ્ટીમાં ૮૭ પોઈન્ટનો વધારો થયો

સપ્તાહના પહેલા દિવસે મોટા કડાકા બાદ સુધારો : સેન્સેક્સ કંપનીઓમાં પાવરગ્રીડનો શેર ચાર ટકા વધ્યો, ટાટા સ્ટીલ, એરટેલ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ વધ્યા

નવી દિલ્હી, તા.૨૩ : મંગળવારે સેન્સેક્સ એક દિવસ અગાઉના તીવ્ર ઘટાડામાંથી પાછો ફર્યો હતો અને પાવર, ટેલિકોમ અને ફાર્મા કંપનીઓના શેરમાં થયેલા વધારાને કારણે ૧૯૮ પોઇન્ટના વધારા સાથે બંધ થયો હતો.

બીએસઈના ૩૦ શેરોવાળા સેન્સેક્સે શરૂઆતના કારોબારમાં લગભગ ૭૦૦ પોઈન્ટ ગુમાવ્યા હતા. પરંતુ પાછળથી તેણે તેની ખોટ પૂરી કરી અને અંતે ૧૯૮.૪૪ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકાના વધારા સાથે ૫૮,૬૬૪.૩૩ પર બંધ થયો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૮૬.૮૦ પોઈન્ટ અથવા ૦.૫૦ ટકા વધીને ૧૭,૫૦૩.૩૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં પાવરગ્રીડનો શેર લગભગ ચાર ટકા વધ્યો હતો.

એનટીપીસી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, સન ફાર્મા અને બજાજ ફિનસર્વ પણ વધ્યા હતા. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેક્ન, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, બજાજ ઓટો અને મારુતિ ૨.૫૯ ટકા સુધી તૂટ્યા હતા. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ધાતુઓ, સરકારી બેંકો અને ફાર્મા કંપનીઓના શેરોના કારણે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો થયો હતો.

 મિડકેપ અને સ્મોલકેપ મુખ્ય સૂચકાંકોને પાછળ રાખી દીધા છે. તેમણે કહ્યું કે જેરોમ પોવેલને ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે. આમ છતાં ગઈ કાલે ટ્રેડિંગના છેલ્લા કલાકમાં યુએસ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. અન્ય એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ખોટમાં બંધ રહ્યો હતો.

બીજી તરફ ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને જાપાનનો નિક્કી વધ્યો હતો. સોમવારે બીએસઈનો ૩૦ શેરવાળો સેન્સેક્સ ૧,૧૭૦.૧૨ પોઈન્ટ્સ અથવા ૧.૯૬ ટકાના ઘટાડા સાથે ૫૮,૪૬૫.૮૯ પર આવી ગયો હતો. સેન્સેક્સ સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટ્યો હતો. આ બે મહિનામાં સેન્સેક્સનું સૌથી નીચું બંધ સ્તર હતું.

૧૨ એપ્રિલ પછી એક જ દિવસમાં સેન્સેક્સનો આ સૌથી મોટો ઘટાડો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૪૮.૨૫ પોઈન્ટ્સ અથવા ૧.૯૬ ટકા ઘટીને ૧૭,૪૧૬.૫૫ પર બંધ થયો હતો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, ટાઇટન અને એસબીઆઇ ૫.૭૪ ટકા સુધી ડાઉન હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની ઓઈલ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં ૧૫ અબજ ડોલરમાં ૨૦ ટકા હિસ્સા માટે સાઉદી અરામકો સાથે પ્રસ્તાવિત સોદો અટકાવી દીધો છે. આ સમાચારો પછી રિલાયન્સના શેરમાં ૪ ટકાનો જંગી ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ અને પાવરગ્રીડ વધનારાઓમાં હતા.

બીએસઈ પર પેટીએમની પેરેન્ટ કંપની વન૯૭ કોમ્યુનિકેશન્સનો શેર ૧૩ ટકા ઘટીને રૂ. ૧,૩૬૦.૩૦ થયો હતો. એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે ગયા સપ્તાહના અંતમાં અનેક વિકાસ બાદ આખરે આજે બજારમાં મંદીનો ટ્રેન્ડ સ્થાપિત થયો હતો. ધાતુઓને બાદ કરતાં અન્ય તમામ સેગમેન્ટના સૂચકાંકો ઘટ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાતથી જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરને અસર થઈ હતી. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, પેટીએમ શેરમાં નબળાઈએ બજારના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો. આ રિટેલ સેગમેન્ટમાંથી ભંડોળના પ્રવાહને અસર કરી શકે છે.

નાયરે જણાવ્યું હતું કે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાતથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહમાં પણ ઘટાડો થઈ શકે છે.

(7:08 pm IST)