Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

યમનમાં સેના અને વિદ્રોહીઓના ત્રાસ બાદ ભૂખમરાથી ૮૫૦૦૦ બાળકોના મોત

સના તા.૨૩: યમનમાં છેલ્લા કેટલાય સમયથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. બળવાખોરોએ સરકારની વિરૂદ્ધ આંદોલન છેડી દીધું છે જેને પગલે બળવાખોરો અને સેના વચ્ચે સતત લડાઇ ચાલી રહી છે. આ લડાઇમાં કેટલાય નિર્દોષ નાગરિકો પણ ભોગ બની રહ્યાં છે. જે લોકો યુદ્ધનો ભોગ નથી બનતા તેઓ ભૂખમરાની ઝપેટમાં આવી રહ્યાં છે.તાજેતરમાં જ જાહેર થયેલ એક રિપોર્ટમાં આ મામલે ખુલાસો થયો છે, જે સાંભળીને તમારા કાન પણ પહોળા થઇ જશે.

સેવ ધી ચિલ્ડ્રન એક આંતરરાષ્ટ્રીય એનજીઓએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે યમનમાં ગૃહયુદ્ધને કારણે પાછલા ત્રણ વર્ષમાં પાંચવર્ષથી નાની ઉંમરના ૮૫ હજાર બાળકોના મૃત્યુનું કારણ ભૂખમરો છે. એનજીઓએ આ ગરીબ પશ્ચિમ એશિયાઇ દેશમાં મોતનો સિલસિલો અને નુકસાનને અટકાવવા માટે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામની માગણી કરી છે.

અહીં આંકડાઓ હજુ પણ ગંભીર છે કુપોષણ પર સંયુકત રાષ્ટ્રના આંકડાઓના આધાર પર ઓછું અનુમાન લગાવવામાં આવી રહયું છે. હુતિ વિદ્રોહિઓ અને સાઉદી સમર્થિત ગઠબંધન વાળી સેના વચ્ચે યમનમાં લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેને રોકવા માટે આંતરાષ્ટ્રીય સ્તરે થયેલ દરેક પ્રયત્નો નાકામ જણાઇ રહ્યા છે.

આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧.૩ મિલિયન બાળકોને અસર થઇ છે. જણાવી દઇએ કે માર્ચ ૨૦૧૫થી યમન ગૃહયુદ્ધની ઝપેટમાં આવી ગયું છે.

હુતિ વિદ્રોહિઓને કમજોર કરવા માટે સાઉદીએ પોતાની સીમાવર્તી વિસ્તારોને બ્લોક કરી દીધા છે, જેને કારણે યમનમાં લગભગ ૧૪ મિલિયન લોકો ખતરાનો સામનો કરી રહ્યા છે. જણાવી દઇએકે યમનના હોદેૈદા શહેરમાં ૧ નવેમ્બરથી વિદ્રહિઓ અને સરકાર સમર્થિત સેના વચ્ચે જંગ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ ૬૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. યમનના હોદૈદા સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

(3:01 pm IST)