Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

શાહરૂખને ધમકી : ‘અહીં આવીશ તો મોઢું કાળું કરી નાખીશું'

મુંબઇ તા. ૨૩ : ઓડિશાના એક સ્‍થાનિક સંગઠને અભિનેતા શાહરૂખ ખાનને ધમકી આપી છે. કલિંગ સેના નામના એક સંગઠને કહ્યું છે કે શાહરુખ જો આવતા અઠવાડિયે યોજાનાર વર્લ્‍ડ કપ હોકીમાં આવશે તો તેને કાળા ઝંડા બતાવવામાં આવશે. એટલું જ નહીં તેના પર કાળી સાહી પણ ફેંકવામાં આવશે.

કલિંગ સેનાના પ્રમુખ હેમંત રથે કહ્યું છે કે શાહરૂખ ખાને આજથી ૧૭ વર્ષ પહેલા રિલિઝ થયેલી ફિલ્‍મ‘અશોકા'માં ઓડિશા અને અહીંના લોકોનું અપમાન કર્યું હતું. સંગઠન તરફથી આ બાબતે પ્રથમ નવેમ્‍બરના રોજ પોલીસને એક રિપોર્ટ પણ સોંપવામાં આવ્‍યો હતો.

વર્ષ ૨૦૦૧માં રજૂ થયેલી ફિલ્‍મ ‘અશોકા'નો એ વખતે ઓડિશામાં ખૂબ વિરોધ થયો હતો. વિરોધને પગલે ફક્‍ત એક જ અઠવાડિયામાં શાહરુખની ફિલ્‍મને ઓડિશાના સિનેમાઘરોમાંથી ઉતારી લેવામાં આવી હતી.

આવતા અઠવાડિયે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવા માટે ઓડિશાના મુખ્‍યમંત્રી નવિન પટનાયકે શાહરૂખના આમંત્રિત કર્યો છે. હોકી વર્લ્‍ડ કપ ભુવનેશ્વરના કલિંગા સ્‍ટેડિયમમાં તા. ૨૮મી નવેમ્‍બરથી ૧૬મી ડિસેમ્‍બર સુધી યોજાશે.

નોંધનીય છે કે હોકી વર્લ્‍ડકપના ઓફિશિયલ એન્‍થેમ સોંગમાં શાહરૂખ ખાન પણ નજરે પડે છે. ઓડિશાના મુખ્‍યમંત્રીએ આ ટીઝરમાં શાહરૂખની ખૂબ જ પ્રસંશા કરી છે. જે બાદમાં શાહરૂખ ખાને મુખ્‍યમંત્રી નવીન પટનાયકનો આભાર માનતા કહ્યું કે, ‘તમારી કૃપા માટે આભાર. હોકી માટે આપણા તમામની ફરજ છે કે કામ કરવું.'

(12:13 pm IST)