Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વાહ ભૈ વાહ...૭૦ દેશોમાંથી કાળાનાણાની વિગતો ભારતને મળી

વિદેશોમાં જમા કાળુનાણુ પાછુ લાવવાની મોદી સરકારની યોજનાને મળી મોટી સફળતાઃ આયકર વિભાગને વિદેશ લેવડદેવડ સાથે જોડાયેલી ૩૦,૦૦૦થી વધુ માહિતી મળી : ૪૦૦ લોકોની આયકર વિભાગે નોટીસ મોકલીઃ વિદેશોમાં ભારતીયોનું ૯૦,૦૦૦ કરોડથી ૧.૫ લાખ કરોડનું કાળુનાણુ હોવાનો અંદાજ

નવી દિલ્‍હી, તા. ૨૩ : વિદેશોમાં જમા કાળુનાણુ પાછુ લાવવાની કેન્‍દ્ર સરકારની યોજનાને મોટી સફળતા મળી છે. આયકર વિભાગને લગભગ ૭૦ દેશોમાંથી કાળા નાણાના સુરાગ મળ્‍યા છે. વિભાગને વિદેશી લેવડદેવડ સાથે જોડાયેલ ૩૦ હજારથી વધુ માહિતી મળી છે. જેમાં અનેક સંદિગ્‍ધ ગણાવાઈ રહી છે.

શંકાસ્‍પદ લેવડદેવડને લઈને આયકર વિભાગે આમાથી લગભગ ૪૦૦ લોકોને નોટીસ ફટકારી છે. આયકર વિભાગના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે નાણાકીય સૂચનાઓ હેઠળ આદાનપ્રદાનના કરાર હેઠળ વિવિધ દેશો તરફથી આ માહિતી મળી છે. આયકર વિભાગે સપ્‍ટેમ્‍બરમા મળેલી આ માહિતીના આધારે ઉંડી તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

જો કે વિભાગ એવુ માનીને ચાલે છે કે ૩૦ હજાર લેવડદેવડમાંથી બધા કાળાનાણાની શ્રેણીમાં નહી હોય. તમામ કાનૂની લેવડદેવડ પણ હોય શકે છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ અલગ દેશો સાથે ભારતે નાણાકીય માહિતી મેળવવાના કરાર કર્યા છે જે હેઠળ આ માહિતી મળી છે.

વિદેશો પાસેથી મળેલી નાણાકીય લેવડદેવડની વિગતોને આયકર રીટર્ન સાથે મેચ કરવામાં આવી રહી છે. જેમા એનઆરઆઈ અને અબજો રૂપિયાની સંપત્તિના માલિક એટલે કે એચએનઆઈ સામેલ છે. તેમના રીટર્ન અને લેવડદેવડમાં તાલમેલ દેખાતો નથી. તેમને નોટીસ મોકલવાની શરૂ થઈ છે. જો સંતોષકારક જવાબ નહિ મળે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.

સ્‍વીસ બેંકો ભારતીયો માટે કાળુ નાણુ છુપાવવાનું સ્‍વર્ગ કહેવાય છે. ત્‍યાંથી પણ માહિતી મળી છે. ભારતે અત્‍યાર સુધીમાં ૮૦થી વધુ દેશો સાથે નાણાકીય લેવડદેવડ અંગેની માહિતી મેળવવાના કરારો કર્યા છે. આમા સ્‍વીસથી ૨૧ ડીસેમ્‍બર ૨૦૧૭ના રોજ કરાર પુરો થયો હતો. જે હેઠળ જાન્‍યુઆરી ૨૦૧૯થી માહિતી મળવાનુ શરૂ થશે.

સ્‍વીસની બેંકોમાં ૩૦ થી ૩૫ હજાર કરોડનું કાળુ નાણુ હોવાનું જાણવા મળે છે. ૧૨૦૦૦ ભારતીયોની લેવડદેવડની જાણ પનાના પેપર્સ લીકથી થઈ હતી. એક અંદાજ મુજબ ૯૦ હજાર કરોડથી ૧.૫ લાખ કરોડ રૂપિયાનું કાળુ નાણુ વિદેશમાં હોવાનું માનવામા આવે છે.

(10:25 am IST)